હવે આજે ભારતની મેન્સ ટીમે ઑસ્ટ્રેલિયાની ખબર લેવાની છે

મેલબર્નમાં 90,000 પ્રેક્ષકો વચ્ચે બીજી ટી-20: ફરી વરસાદની સંભાવના
મેલબર્ન: ભારતની મહિલા વન-ડે ટીમે ગઈ કાલે રાત્રે નવી મુંબઈમાં વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમને જોરદાર પછાડાટ આપીને ફાઈનલમાં શાનથી એન્ટ્રી કરી, ત્યાર બાદ હવે આજે વર્લ્ડ ચેમ્પિયન ભારતની મેન્સ ટી-20 ટીમે મેલબર્નમાં (એમસીજીના મેદાન પર) ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની બીજી મૅચ રમવાની છે અને એ જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવવાની છે. બે દિવસ પહેલાં કૅનબેરામાં પ્રથમ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
મેલબર્નમાં આજે ૯૦ હજાર પ્રેક્ષકોની હાજરીમાં સૂર્યકુમાર યાદવ અને તેના સાથીઓ મિચલ માર્શ એન્ડ કંપની સામે બીજી ટી-20 (બપોરે 1:45 વાગ્યાથી) રમશે. 1.15 વાગ્યે ટૉસ થશે. જોકે આજની મૅચમાં પણ વરસાદ (Rain) પડવાની સંભાવના છે.

મેલબર્નમાં ત્રણ વર્ષે ફરી ટી-20
મેલબર્નમાં ત્રણ વર્ષ બાદ પહેલી વાર ટી-20 મૅચ રમાશે. છેલ્લે અહીં ટી-20 મૅચ 2022ના વર્લ્ડ કપમાં રમાઈ હતી જેમાં ફાઈનલમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને 19મી ઓવરમાં હરાવ્યું હતું.
મેલબર્નમાં ભારતની છમાંથી ચાર મૅચમાં જીત
ભારત (India)નો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાછો ફોર્મમાં આવી ગયો છે. મેલબર્નમાં ઇતિહાસ ભારતની પડખે છે અને એ પરંપરા સૂર્યાના સાથીઓ જાળવી રાખશે એવી અપેક્ષા છે. ક્રિકેટ વિશ્વના આ બીજા નંબરના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત છમાંથી ચાર ટી-20 જીત્યું છે.
ત્રણ ભારતીય ખેલાડી સિદ્ધિની નજીક
સંજુ સૅમસનને ટી-20માં 1,000 રન પૂરા કરવા સાત રનની અને એશિયા કપની ફાઇનલના હીરો તિલક વર્માને 38 રનની જરૂર છે. બુમરાહ આજે ચાર વિકેટ લેશે તો ટી-20 ઇન્ટરનેશનલમાં તેની 100 વિકેટ પૂરી થશે.
બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ/હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
ઑસ્ટ્રેલિયા: મિચલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, મિચ ઑવેન, માર્કસ સ્ટોઈનિસ, જૉશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ/શૉન અબૉટ, નૅથન એલિસ, મૅટ કુહનેમન અને જૉશ હૅઝલવૂડ.
 
 
 
 


