ચેન્નાઇઃ ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ બ્લોકબસ્ટર મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં ગાઢ મુકાબલાની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન છે, જ્યારે ભારતે બે વખત વર્લ્ડ ટાઈટલ જીત્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં એવા ખેલાડીઓની ફોજ છે, જે આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. આવી સ્થિતિમાં ભારતે તેમને ઝડપથી આઉટ કરવા પડશે અથવા તેની વિકેટ લેવી પડશે. ચાલો જાણીએ આવા પાંચ ખેલાડીઓ વિશે.
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરને ભારતમાં ક્રિકેટ રમવાનો ઘણો અનુભવ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે. તાજેતરની વનડે શ્રેણીમાં પણ તેમણે ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી, તેથી ભારતીય બોલરો માટે ડેવિડ વોર્નરને મોટો સ્કોર કરતા રોકવાનો પડકાર રહેશે. વોર્નરે અત્યાર સુધી ભારત વિરૂદ્ધ 25 વનડે મેચોમાં 51.04ની એવરેજથી 1174 રન બનાવ્યા છે.
સ્ટીવ સ્મિથઃ આ મેચમાં ભારત માટે સૌથી મોટો ખતરો ઓસ્ટ્રેલિયન ટીમનો વાઈસ કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. સ્મિથે ભારત સામે અત્યાર સુધી 27 વનડે મેચમાં 1260 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 54.78 રહી છે. એકવાર સ્મિથ ક્રિઝ પર સ્થિર થઈ જાય પછી તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરોએ સ્મિથને શરૂઆતમાં જ પેવેલિયન મોકલવો પડશે.
મિશેલ સ્ટાર્કઃ ભારતે આ ડાબા હાથના ફાસ્ટ બોલરથી ખૂબ કાળજી રાખવી પડશે. સ્ટાર્ક મોટાભાગે ટીમ ઈન્ડિયાના ઓપનરો અને સ્ટાર બેટ્સમેનોને નિશાન બનાવે છે. મિચેલ સ્ટાર્કે ભારત સામે 17 વનડે મેચમાં 26 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 3 વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. તેણે શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવને પણ 2-2 વખત આઉટ કર્યા છે.
પેટ કમિન્સઃ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. પેટ કમિન્સને નિયંત્રણમાં રાખવો ખૂબ જ જરૂરી છે. કમિન્સે ભારત સામે અત્યાર સુધી 19 ODI મેચ રમી છે અને 26 વિકેટ લીધી છે. કમિન્સ લોઅર ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ વધારી શકે છે.
એડમ ઝમ્પાઃ જમણા હાથનો લેગ સ્પિનર એડમ ઝમ્પા પણ ભારતીય બેટ્સમેનોને પરેશાન કરવામાં ઉસ્તાદ છે. ઝમ્પાએ ભારત સામે 21 વનડે મેચમાં 34 વિકેટ લીધી છે. ઝમ્પાએ વનડે ક્રિકેટમાં પાંચ વખત વિરાટ કોહલીને આઉટ કર્યો છે. તેણે રોહિત શર્માને પણ ચાર વખત પેવેલિયનમાં મોકલ્યો છે. આવી સ્થિતિમાં ભારતે ઝમ્પાને લઈને સાવધાન રહેવું પડશે.
ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં કાંગારુ ટીમે બે અને ભારતે એક મેચ જીતી છે. આ મેદાન પર છેલ્લી વખતની મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર ચાર મેચ જીતી શક્યું છે. મતલબ કે આંકડાઓમાં તો ઓસ્ટ્રેલિયન ટીમનો હાથ ઉપર છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, શાર્દુલ ઠાક .
ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્નસ લાબુશેન, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.