સ્પોર્ટસ

ટૉપ-ઑર્ડર ફ્લૉપ જતાં મેલબર્નમાં ભારતની 13 વર્ષની વિજયકૂચ અટકી…

હૅઝલવૂડે ગિલ, સૂર્યા, તિલકને સસ્તામાં આઉટ કર્યા ત્યારે જ ટીમ ઇન્ડિયાનો પરાજય નક્કી થયો

મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં ભારતીય ટીમ ટી-20 ફૉર્મેટમાં છેક 2012ની સાલથી જીતી રહી હતી, પરંતુ શુક્રવારે વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ (પાંચ રન), કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (એક રન) અને તિલક વર્મા (0) સહિતનો ટૉપ-ઑર્ડર સારું રમવામાં સદંતર નિષ્ફળ ગયો એટલે ભારતનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો અને આ મેદાન પર ભારતની 13 વર્ષ જૂની વિજયકૂચ થંભી ગઈ હતી. ભારત (18.4 ઓવરમાં 10/125)નો ઑસ્ટ્રેલિયા (13.2 ઓવરમાં 6/126) સામે ચાર વિકેટે પરાજય થયો અને યજમાન ટીમે પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી.

82,438 પ્રેક્ષકોમાંથી મોટા ભાગના નિરાશ

મેલબર્નમાં ભારત (India) શુક્રવાર પહેલાં છ ટી-20 રમ્યું હતું જેમાંથી ચાર જીત્યું હતું. બાકીની બેમાંથી એક મૅચમાં ઑસ્ટ્રેલિયા (Australia)નો વિજય થયો હતો અને એક મૅચ અનિર્ણીત રહી હતી. ભારતે જીતેલી ચારેય મૅચ 2012થી માંડીને શુક્રવાર (31 ઑક્ટોબર, 2025) સુધીમાં રમાઈ હતી. જોકે શુક્રવારે મેલબર્નમાં ભારતનો વિજયરથ અટકી ગયો હતો.

ઑસ્ટ્રેલિયાના નાકે દમ આવ્યો

જોકે 126 રનનો નાનો લક્ષ્યાંક મેળવતાં ઑસ્ટ્રેલિયાના નાકે દમ આવી ગયો હતો. તેમણે 13.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 126 રન કર્યા હતા. મિચલ માર્શની ટીમે મૅચની અંતિમ પળોમાં નવ બૉલમાં માત્ર 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. આ ત્રણમાંથી બે વિકેટ બુમરાહે અને એક કુલદીપે લીધી હતી. બુમરાહ રહી-રહીને ત્રાટક્યો હતો. સ્ટોઇનિસ છ રને અણનમ રહ્યો હતો. 126 રનમાં માર્શના સૌથી વધુ 96 રન હાઇએસ્ટ હતા. ઓપનર અભિષેક શર્માની 68 રનની લડાયક ઇનિંગ્સ એળે ગઈ હતી. ભારત વતી વરુણ, કુલદીપ અને બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.

અભિષેકને બહુ સ્ટ્રાઇક ન મળી, માત્ર 37 બૉલ રમવા મળ્યા

બૅટિંગ મળ્યા બાદ ભારતીય ટીમે પહેલા 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ઓપનર અભિષેક શર્મા (68 રન, 37 બૉલ, 102 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અડીખમ રહ્યો હતો. તેની નજર સામે આઠ બૅટ્સમેન આઉટ થઈને પાછા પૅવિલિયનમાં ગયા હતા. એમાં ગિલ, સૂર્યકુમાર અને તિલક ઉપરાંત સંજુ સૅમસન (બે રન), અક્ષર પટેલ (સાત રન), હર્ષિત રાણા (35 રન, 33 બૉલ, 38 મિનિટ, એક સિક્સર, ત્રણ ફોર), શિવમ દુબે (ચાર રન) અને કુલદીપ યાદવ (0)નો સમાવેશ હતો. ખરું કહીએ તો અભિષેક આઉટ થયો ત્યાં સુધીમાં તેને કુલ 111માંથી માત્ર 37 બૉલ રમવા મળ્યા હતા. તેની સ્ટ્રાઇક બહુ ઓછી આવી હતી અને જે બૉલ રમવાનો તેને મોકો મળ્યો એનો તેણે ભરપૂર લાભ લીધો હતો. તેણે બે છગ્ગા અને આઠ ચોક્કા સહિત 44 રન બનાવ્યા હતા. તેના 68માંથી 44 રન ચોક્કા-છગ્ગામાં બન્યા હતા.

હર્ષિત સાથે અભિષેકની 56 રનની ભાગીદારી

અક્ષર પટેલે આઠમી ઓવરમાં 49 રનના સ્કોર પર અભિષેકને સ્ટ્રાઇક આપવાની લાલચમાં ત્રીજો બિનજરૂરી રન દોડતાં રનઆઉટમાં વિકેટ ગુમાવી ત્યાર પછી અભિષેક સાથે હર્ષિત રાણા જોડાયો હતો. અભિષેક-હર્ષિત વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 47 બૉલમાં 56 રનની ભાગીદારી થઈ હતી. હર્ષિતને પછીથી ઑસ્ટ્રેલિયાના દાવમાં વિકેટ નહોતી મળી, પણ તે થોડા સમયથી બૅટિંગમાં જે રીતે ઉપયોગી થઈ રહ્યો છે એના પરથી કહી શકાય કે શિવમ દુબે કરતાં બૅટિંગમાં ટીમને તે વધુ કામ લાગ્યો છે.

મૅચ-વિનર હૅઝલવૂડ હવે સિરીઝની બહાર

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા સહિતના ટોચના ત્રણ સ્ટાર બૅટ્સમેનને આઉટ કરી દીધા ત્યાં જ જીત ઑસ્ટ્રેલિયાની તરફેણમાં લાવી દીધી હતી. તેણે ફક્ત 13 બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી. હવે તે સિરીઝની બાકીની ત્રણ ટી-20 મૅચ માટેની ટીમમાં નથી અને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતની બાકીની વિકેટોમાંથી ઝેવિયર બાર્ટલેટ તથા નૅથન એલિસે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો…હવે આજે ભારતની મેન્સ ટીમે ઑસ્ટ્રેલિયાની ખબર લેવાની છે

બાકીની ત્રણ ટી-20 મૅચ ક્યારે

રવિવાર, બીજી નવેમ્બર, હૉબાર્ટ, બપોરે 1.45
ગુરુવાર, છઠ્ઠી નવેમ્બર, ગોલ્ડ કૉસ્ટ, બપોરે 1.45
શનિવાર, આઠમી નવેમ્બર, બ્રિસ્બેન, બપોરે 1.45

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button