ઍડિલેઈડમાં ભારત 17 વર્ષથી નથી હાર્યું, ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝનો બીજો મુકાબલો

ઍડિલેઈડમાં વરસાદ, મૅચ સવારે 9.00 વાગ્યાથી લાઈવ
ઍડિલેઈડ: ભારત અને ઑસ્ટ્રેલિયાની મેન્સ ટીમ વચ્ચે ગુરુવારે, 23મી ઑક્ટોબરે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે શ્રેણીનો બીજો મુકાબલો છે જે જીતીને મિચલ માર્શની યજમાન ટીમને સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવવાનો મોકો છે, પરંતુ ઇતિહાસ ભારત (India)ની પડખે છે એટલે આ મૅચ જીતીને શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવાની શુભમન ગિલની ટીમને તક છે. જોકે ઍડિલેઈડ (Adelaide)માં ગુરુવારે વરસાદની સંભાવના છે.
ઍડિલેઈડમાં ભારત 2008ની સાલ બાદ (17 વર્ષથી) એકેય વન-ડે નથી હાર્યું. અહીં છેલ્લી પાંચમાંથી ચાર વન-ડેમાં ભારતનો વિજય થયો છે અને એક મૅચ ડ્રોમાં પરિણમી છે.
બીજું, ઑસ્ટ્રેલિયા (Australia) આ સ્થળે ભારત સામે 2008ની સાલના વિજય બાદ બન્ને (2012 અને 2019ની) વન-ડેમાં પરાજિત થયું છે.

ભારત ઍડિલેઈડમાં છેલ્લા 17 વર્ષમાં પાકિસ્તાન અને શ્રીલંકાને પણ હરાવી ચૂક્યું છે.
ટૂંકમાં, ઍડિલેઈડમાં ભારતે 15માંથી નવ વન-ડેમાં જીત મેળવી છે.
2012માં ભારતે ગૌતમ ગંભીરના 92 રનની મદદથી ઑસ્ટ્રેલિયા સામે 270 રનનો લક્ષ્યાંક છ વિકેટના ભોગે મેળવી લીધો હતો. આ વખતે ગંભીર ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ છે.
2019માં વિરાટ કોહલીના 104 રનની મદદથી ભારતે 299 રનનો ટાર્ગેટ હાંસલ કરીને વિજય મેળવ્યો હતો. આ વખતે તો વિરાટને મોટી સિદ્ધિ મેળવવાની પણ તક છે. તે 54 રન કરશે એટલે કુમાર સંગકારાને પાછળ રાખીને વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન કરનારાઓમાં બીજા ક્રમે આવી જશે.

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર/કુલદીપ યાદવ, નીતીશ રેડ્ડી, હર્ષિત રાણા/પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
ઑસ્ટ્રેલિયા: મિચલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મૅથ્યૂ શોર્ટ, ઍલેકસ કૅરી (વિકેટકીપર), મેથ્યૂ રેન્શો, કૂપર કોનોલી, મિચલ ઓવેન, મિચલ સ્ટાર્ક, નેથન એલિસ, જૉશ હેઝલવૂડ, એડમ ઝેમ્પા.