કૅનબેરામાં બુધવારે કશમકશઃ વર્લ્ડ નંબર-વન વિરુદ્ધ વર્લ્ડ નંબર-ટૂ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

કૅનબેરામાં બુધવારે કશમકશઃ વર્લ્ડ નંબર-વન વિરુદ્ધ વર્લ્ડ નંબર-ટૂ

વિશ્વ અને એશિયા ચૅમ્પિયન ભારતનો પ્રથમ ટી-20માં ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો

કૅનબેરાઃ ટી-20ના વર્લ્ડ નંબર-વન ભારત (India) અને નંબર-ટૂ ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે બુધવાર, 29મી ઑક્ટોબરે (ભારતીય સમય મુજબ બપોરે 1.45 વાગ્યાથી) અહીં ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે અને એ સાથે આગામી ફેબ્રુઆરીમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની બન્ને દેશની એક પ્રકારની પૂર્વતૈયારી શરૂ થશે.

ભારત ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન તેમ જ એશિયન ચૅમ્પિયન છે અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ની ટીમ સાથે ટક્કર ઝીલવાનું મિચલ માર્શની ટીમ બહુ મુશ્કેલ બની રહેશે. શુભમન ગિલના સુકાનમાં તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં ભારતની ટીમ વન-ડે સિરીઝમાં મિચલ માર્શની ટીમ સામે 1-2થી હારી ગઈ, પણ હવે સૂર્યકુમારની ટીમ સામે મિચલ માર્શ ઍન્ડ કંપનીએ ટક્કર ઝીલવાની છે.

સૂર્યાના સુકાનમાં 29માંથી 23માં જીત

સૂર્યકુમાર યાદવ થોડા અઠવાડિયાઓથી બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠો છે, પરંતુ કૅપ્ટન્સીમાં તેણે મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં પાકિસ્તાનને એશિયા કપમાં તેના સુકાનમાં ભારતે ફાઇનલ સહિત તમામ ત્રણ મૅચમાં હરાવ્યું હતું અને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ટી-20 કૅપ્ટન તરીકે સૂર્યકુમારનો રેકૉર્ડ જબરદસ્ત છે. તેના નેતૃત્વમાં ભારત 29માંથી 23 ટી-20 મૅચ જીત્યું છે. 2023નું વર્ષ સૂર્યકુમાર માટે ખૂબ સફળ હતું. એ વર્ષમાં તેણે 18 ટી-20 મૅચમાં 156.00ના સ્ટ્રાઇક-રેટ સાથે 733 રન કર્યા હતા જેમાં બે સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી સામેલ હતી.

આ પણ વાંચો : શ્રેયસ ઐયરે સિડનીમાં પાંસળીમાં સર્જરી કરાવી

છેલ્લી 10માંથી આઠમાં વિજય

પોતપોતાની છેલ્લી 10-10 ટી-20 મૅચમાં ભારત અને ઑસ્ટ્રેલિયાનો પર્ફોર્મન્સ એકસરખો છે. બન્ને ટીમે 10માંથી આઠ ટી-20માં વિજય મેળવ્યો છે. ભારતની બાકીની બેમાંથી એક મૅચમાં પરાજય થયો હતો અને એક મૅચ ટાઇ થઈ હતી. ઑસ્ટ્રેલિયાની બાકીની બેમાંથી એક મૅચમાં હાર થઈ હતી અને એક મૅચ અનિર્ણીત રહી હતી.

આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવ આ માથાના દુખાવાને કેમ સારો કહેવડાવે છે?

બન્ને દેશની સ્ક્વૉડમાં કયા ખેલાડીઓ

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંહ, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.

ઑસ્ટ્રેલિયાઃ મિચલ માર્શ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, જૉશ ઇંગ્લિસ, શૉન અબૉટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, નૅથન એલિસ, જૉશ હૅઝલવૂડ, મૅથ્યૂ કુહનેમન, મિચલ ઓવેન, જૉશ ફિલિપ, તનવીર સંઘા, મૅથ્યૂ શૉર્ટ અને માર્કસ સ્ટોઇનિસ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button