રવિવારે પર્થમાં ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ કદાચ સમયસર શરૂ ન પણ થાયઃ જાણો શું છે કારણ? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રવિવારે પર્થમાં ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ કદાચ સમયસર શરૂ ન પણ થાયઃ જાણો શું છે કારણ?

મૅચ શરૂ થવાનો નિર્ધારિત સમય સવારે 9.00ઃ કાંગારુંઓ માટે નવું સ્ટેડિયમ નસીબવંતુ નથી

પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવાર, 19મી ઑક્ટોબરે અહીં પર્થ સ્ટેડિયમમાં સિરીઝની પ્રથમ વન-ડેના આરંભ પહેલાં વરસાદ પડવાની સંભાવના હોવાથી મૅચ કદાચ મોડી શરૂ થશે અને મૅચ દરમ્યાન પણ મેઘરાજા નડી શકે એવી સંભાવના છે.

પર્થ (Perth)માં ઑસ્ટ્રેલિયાના સમય મુજબ સવારે 11.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 9.00 વાગ્યે) વન-ડે મુકાબલો શરૂ કરવાનું નક્કી થયું છે. રવિવારે સવારે પર્થમાં વરસાદ (Rain) પડવાની 70 ટકા સંભાવના છે અને શક્યતા વધી પણ શકે. પરિણામે, બન્ને ટીમ માટે તેમ જ પ્રેક્ષકો માટે રવિવારનો દિવસ સંઘર્ષભર્યો બની શકે.

આ મૅચનો ટૉસ પણ નિર્ણાયક બની શકે. સામાન્ય રીતે ટૉસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ લેવાનું પસંદ કરશે કે જેથી કેટલો લક્ષ્યાંક મળશે એના પરથી એ ચેઝ કરવા માટેની યોજના નક્કી કરી શકાય. પિચ પેસ બોલર માટે વધુ ફેવરેબલ હોવાને કારણે પ્રથમ બોલિંગ લઈને હરીફ ટીમને સસ્તામાં આઉટ કરી નાખવાનો પણ ટૉસ જીતનારી ટીમનો પ્લાન હોઈ શકે. ટૂંકમાં, વાદળિયું હવામાન મૅચના પરિણામ પર મોટી અસર પાડી શકે. પર્થ સ્ટેડિયમની પિચ પર બાઉન્સ સારા મળતા હોવાથી સ્વિંગ બોલરને વધુ ફાયદો મળી શકશે. એ જોતાં, ખાસ કરીને મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોએ વધુ આકરી કસોટી આપવી પડશે.

આ પણ વાંચો: રોહિતભાઈ અને વિરાટભાઈની હાજરીમાં ગિલ કૅપ્ટન્સીમાં વધુ ખીલશેઃ અક્ષર પટેલ…

પર્થ સ્ટેડિયમમાં ભારતની પહેલી જ વન-ડે

ઑસ્ટ્રેલિયા (Australia)ની ક્રિકેટમાં પર્થ શહેર દાયકાઓથી મશહૂર છે. જોકે આ શહેરમાં ગ્રીન પિચ માટે જાણીતા વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસૉસિયેશન (ડબ્લ્યૂએસીએ-વાકા) ગ્રાઉન્ડ પર હવે મૅચો નથી રમાતી. વાકામાં 1970થી 2017 સુધી આંતરરાષ્ટ્રીય મૅચો રમાઈ હતી, પણ ત્યાર બાદ 2018ની સાલથી પર્થમાં ઇન્ટરનૅશનલ મૅચો નવા પર્થ સ્ટેડિયમમાં રમાય છે અને રવિવારે ભારત (India)ની વન-ડે ત્યાં જ રમાવાની છે. ભારત પહેલી જ વખત આ મેદાન પર વન-ડે રમશે. આ ગ્રાઉન્ડ પર ભારત બે ટેસ્ટ રમ્યું છે (જેમાં એક જીત્યું છે અને એક હાર્યું છે). જોકે ભારતીયો આ સ્ટેડિયમમાં વન-ડે પહેલી જ વખત રમશે. ઑસ્ટ્રેલિયા પર્થ સ્ટેડિયમમાં ત્રણ વન-ડે (પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ સામે) રમ્યું છે અને ત્રણેયમાં કાંગારુંઓનો પરાજય થયો છે.

પિચ રિપોર્ટ શું કહે છે?

પર્થ સ્ટેડિયમમાં ત્રણ વન-ડે રમાઈ છે અને આ ત્રણમાંથી બેમાં પછીથી બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. અહીંની પિચ ફાસ્ટ બોલર માટે સ્વર્ગ સમાન છે. ફાસ્ટ બોલરને આ પિચ પર સારા બાઉન્સ મળે છે અને તેના બૉલની ઝડપ પણ ઘણી સારી રહેશે જેને લીધે બૅટ્સમૅનને પહેલાં તો સેટલ થવામાં અને પછી ઇનિંગ્સને આગળ વધારવામાં તકલીફ થઈ શકે. આ પિચ પર કોઈ પણ બૅટ્સમૅને ધૈર્યથી રમવું પડશે અને શૉટ સિલેક્શનમાં ખૂબ કાળજી રાખવી પડશે.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટરોની ફ્લાઇટ પરોઢિયે ચાર વાગ્યે પર્થ પહોંચી, જાણો કઈ કઈ તકલીફ થઈ

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર/કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના/અર્શદીપ સિંહ.

ઑસ્ટ્રેલિયાઃ મિચલ માર્શ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, મૅટ શૉર્ટ, જૉશ ફિલિપ (વિકેટકીપર), મૅટ રેન્શૉ, મિચ ઓવેન, કૂપર કૉનોલી, મિચલ સ્ટાર્ક, નૅથન એલિસ, મૅટ કુહનેમન અને જૉશ હૅઝલવૂડ.

સિરીઝનું શેડ્યૂલ

પ્રથમ વન-ડેઃ રવિવાર 19મી ઑક્ટોબર, પર્થ, સવારે 9.00 વાગ્યાથી
બીજી વન-ડેઃ ગુરુવાર 23મી ઑક્ટોબર, ઍડિલેઇડ, સવારે 9.00 વાગ્યાથી
ત્રીજી વન-ડેઃ શનિવાર 25મી ઑક્ટોબર, સિડની, સવારે 9.00 વાગ્યાથી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button