IND vs AFG 3rd T20: તો શું સંજુને હજુ પણ રમવાનો મોકો નહિ મળે

નવી દિલ્હી: ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની ગણતરી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેમ છતાં તેને બહુ ઓછી મેચમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકાની મેચ સામે સદી ફટકારવાના કારણે તેને અફઘાનિસ્તાન સામેની T20 મેચની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, ત્રીજી ટી-20 બાદ સંજુ સેમસનને ટીમમાંથી હટાવી દેવામાં આવશે એવું કેટલાક સૂત્રો જણાવી રહ્યા છે.
ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે આજે 17 જાન્યુઆરી એટલે કે આજે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે જો ભારતીય ટીમ ત્રીજી મેચ પણ જીતશે તો તે અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપથી હરાવી દેશે.
ત્યારે કેટલીક માહિતી મુજબ મેનેજમેન્ટે આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સંજુ સેમસનને T20 ટીમમાં તક આપી હતી. પરંતુ તેની જગ્યાએ જીતેશ શર્માએ પ્લેઈંગ 11માં સામેલ થઈને સારું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે હવે તે T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગયો છે. જોકે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જેના કારણે ત્રીજી મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ-11 ખૂબ જ ખાસ બની રહી છે. કોણ ટીમમાં હશે અને કોણ નહી પર ક્રિકેટ રસીયાઓની નજર રહેશે. અગાઉ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પ્રથમ બે મેચમાં તક મળી ન હતી. તેમની જગ્યાએ જીતેશ શર્માને તક મળી હતી.
પરંતુ હવે એવા આસાર જોવા મળી રહ્યા છે કે સંજુને ત્રીજી મેચમાં પણ રમવાની તક નહી મળે. ત્રીજી મેચ માટે કેપ્ટન રોહિત શર્મા ઘણા ફેરફાર કરી શકે છે. સ્પિનર રવિ બિશ્નોઈને બદલે ફાસ્ટ બોલર અવેશ ખાન અથવા સ્પિનર કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે. તેમજ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં પણ ફેરફાર થઈ શકે છે. લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર નૂર અહેમદની જગ્યાએ લેગ સ્પિનર કૈસ અહેમદને તક મળી શકે છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ/આવેશ ખાન/કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.
અફઘાનિસ્તાન ટીમઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, ફઝલહક ફારૂકી, નૂર અહેમદ/કૈસ અહેમદ, નવીન ઉલ હક અને મુજીબ ઉર રહેમાન.