સ્પોર્ટસ

આજે ભારત-સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20, વર્લ્ડ કપ ફાઇનલનું `રીરન’

રાત્રે 8.30 વાગ્યાથી લાઈવ: વરસાદ પડવાની 40 ટકા સંભાવના

ડરબનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે (રાત્રે 8.30 વાગ્યાથી) ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે. ચાર મહિના બ્રિજટાઉનમાં પહેલાં આ જ બે દેશ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની યાદગાર ફાઇનલ રમાઈ હતી જેમાં ભારતે વિજય મેળવીને ટી-20નું બીજું વિશ્વ વિજેતાપદ મેળવ્યું હતું.

એ ફાઇનલમાં એક તબક્કે સાઉથ આફ્રિકાએ 30 બૉલમાં 30 રન બનાવવાના હતા અને છ વિકેટ પડવાની બાકી હતી. જોકે હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ એન્ડ કંપનીએ ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.
આજે શરૂ થતી શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ભારતનો અને એઇડન માર્કરમ સાઉથ આફ્રિકાનો કૅપ્ટન છે. વર્લ્ડ કપની ફાઇનલમાં સૂર્યકુમારે ડેવિડ મિલરના ઝીલેલા અભૂતપૂર્વ કૅચને પરિણામે જ ભારતને જીતવા મળ્યું હતું.

ટીમ ઇન્ડિયાએ ત્યારે સાઉથ આફ્રિકાના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. હવે આજથી ભારતે ચાર મૅચની સિરીઝમાં પણ જીતવા કોઈક અસર બાકી નથી રાખવાની, કારણકે ઇતિહાસ ભારતની પડખે છે. બંને દેશ વચ્ચેની નવ ટી-20માંથી છ ભારતે અને માત્ર ત્રણ સાઉથ આફ્રિકાએ જીતી છે.

ટી-20 ઇન્ટરનેશનલમાં જે બેટર્સના 1000થી વધુ રન છે એમાં સૂર્યકુમારનો સ્ટ્રાઈક રેટ (169.48) સૌથી વધુ છે. આ વર્ષમાં ભારતના ટી-20 બોલર્સમાં અર્શદીપ સિંહની 28 વિકેટ હાઈએસ્ટ છે.

જોકે સાઉથ આફ્રિકન બેટર્સમાં ભારત સામે ખાસ કરીને હિનરિચ ક્લાસેનનો સ્ટ્રાઈક રેટ (168.09) ખૂબ ઊંચો છે. તે ભારત સામે ત્રણ હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.

પિચ અને હવામાન શું કહે છે?

આજની મૅચ ડરબનમાં છે અને આ શહેરમાં આજે વરસાદ પડવાની 40 ટકા સંભાવના છે. ડિસેમ્બર 2023માં ભારત આ જ સ્થળે ટી-20 મૅચ રમવાનું હતું, પરંતુ વરસાદને કારણે ટૉસ પણ નહોતો થઈ શક્યો. આ શહેર સાઉથ આફ્રિકા માટે રેકોર્ડની દ્રષ્ટિએ બહુ સારું નથી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ આ જ સ્થળે સાઉથ આફ્રિકાનો 3-0થી વાઈટ-વૉશ કર્યો હતો.

Also Read – ICC champions trophy: ભારતની બધી મેચો આ દેશમાં યોજવા PCB સંમત, અહેવાલમાં દાવો

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઇલેવન

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, અક્ષર પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ તથા વરુણ ચક્રવર્તી.

સાઉથ આફ્રિકા: એઇડન માર્કરમ (કેપ્ટન), રાયન રીકલ્ટન (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, હિનરિચ ક્લાસેન, ડેવિડ મિલર માર્કો યેનસેન/જેરાલ્ડ કોએટઝી, એન્ડિલ સિમલેન, એન્કાબેયોમ્ઝી પીટર, કેશવ મહારાજ અને ઓટનિલ બાર્ટમેન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button