ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું
સતત 17 શ્રેણીમાં અપરાજિત, ગુરુવારે બાંગ્લાદેશ સામે સવારે 9.30 વાગ્યાથી પ્રથમ ટેસ્ટ

ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે (સવારે 9.30 વાગ્યાથી) અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝનો પ્રથમ મુકાબલો શરૂ થશે. ભારત ઘરઆંગણે છેલ્લે 2012માં (12 વર્ષ પહેલાં) ટેસ્ટ-શ્રેણી હાર્યું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા લાગલગાટ 17 ટેસ્ટ-શ્રેણીમાં અપરાજિત રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારત ઘરઆંગણે ફક્ત ચાર ટેસ્ટ હાર્યું છે.
આ પણ વાંચો: સૌરવ ગાંગુલીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી, જાણો કોની સામે અને શા માટે…
જોકે પાકિસ્તાનને એની જ ધરતી પર ટેસ્ટ-શ્રેણીમાં 2-0થી હરાવીને ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ નજમુલ શૅન્ટોના સુકાનમાં બાંગ્લાદેશની ટીમ હવે ભારતમાં ઐતિહાસિક જીત મેળવવા મક્કમ છે. કારણ એ છે કે ભારત સામે બાંગ્લાદેશ ક્યારેય ટેસ્ટ મૅચ નથી જીતી શક્યું. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી 13માંથી 11 ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે અને બે મૅચ ડ્રૉમાં પરિણમી છે.
અગાઉ ભારતમાં બાંગ્લાદેશના ખેલાડીઓ મોટા માર્જિનથી ત્રણેય ટેસ્ટ હાર્યા હતા. ગુરુવારે રોહિત શર્મા ઍન્ડ કંપનીએ બાંગ્લાદેશ સામે આકરી કસોટી તો આપવી પડશે. જોકે ભારતની પિચ પર ભારતીય સ્પિનર્સથી બચવું ભલભલી ટીમો માટે મુશ્કેલ હોય છે એમાં હવે બાંગ્લાદેશના ખેલાડીઓએ પણ આકરી પરીક્ષા આપવાની છે.
આ પણ વાંચો: જયદેવ ઉનડકટે જ્યારે કાઉન્ટીમાં હરીફ ટીમના ટૉપ-ઑર્ડરનો સફાયો કરી નાખ્યો…
2024ની સાલમાં ભારત વતી સૌથી વધુ વિકેટ જસપ્રીત બુમરાહે લીધી છે. તેણે પાંચ ટેસ્ટમાં 27 વિકેટ લીધી છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વર્તમાન સીઝનમાં યશસ્વી જયસ્વાલ 1028 રન સાથે બીજા સ્થાને છે. જો રૂટ 1398 રન સાથે મોખરે છે.
રિષભ પંત 632 દિવસ બાદ ફરી ટેસ્ટ રમવા મેદાન પર ઊતરી રહ્યો છે. ભારતમાં હરીફ ટીમના સ્પિનર્સ સામે તેની 77.16ની બૅટિંગ-ઍવરેજ છે. મુશ્ફીકુર રહીમની ભારતમાં ટેસ્ટ મૅચોમાં 55.16ની સરેરાશ છે.