સ્પોર્ટસ

વૈભવ-જ્યોર્જની ભાગીદારી જેટલા રન પણ સાઉથ આફ્રિકા ન કરી શક્યું અને હારી ગયું

ઇન્ડિયા અન્ડર-10 ટીમે યજમાન ટીમનો 3-0થી કર્યો વાઇટવૉશ

બેનોની (સાઉથ આફ્રિકા): ભારતની અન્ડર-19 (Under-19) ટીમે બુધવારે અહીં સાઉથ આફ્રિકા અન્ડર-19 સામેની વન-ડે સિરીઝની અંતિમ મૅચ પણ જીતીને યજમાન ટીમનો 3-0થી સફાયો કરી નાખ્યો હતો અને આ અંતિમ મૅચના બે સૂત્રધાર હતા વૈભવ સૂર્યવંશી (127 રન, 74 બૉલ, દસ સિક્સર, નવ ફોર) અને તેનો સાથી ઓપનિંગ જોડીદાર આરૉન જ્યોર્જ (118 રન, 106 બૉલ, સોળ ફોર). બન્ને વચ્ચે 227 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ભારતના 7/393ના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ 35 ઓવરમાં 160 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ભારતીય ટીમનો 233 રનથી વિજય થયો હતો.

` પુષ્પા’ સ્ટાઇલમાં સેન્ચુરીનું સેલિબ્રેશન

14 વર્ષીય ઓપનર અને કૅપ્ટન વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)એ જોરદાર ફટકાબાજી કરીને ભારતીય ટીમને ખૂબ જ સારી સ્થિતિમાં લાવી દીધી હતી. તેના કુલ 206 રન સિરીઝમાં હાઇએસ્ટ હતા. બુધવારે વૈભવે 63 બૉલમાં આઠ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 100માંથી 72 રન સિક્સર અને ફોરમાં બનાવ્યા હતા. તેણે સેન્ચુરી પૂરી કરીને અભિનેતા અલ્લૂ અર્જુનની `પુષ્પા’ સ્ટાઇલમાં સેલિબે્રશન કર્યું હતું.

આ પણ વાંચો : વૈભવની તોફાની બૅટિંગ…આઠ છગ્ગા અને છ ચોગ્ગા સાથે સેન્ચુરી પૂરી કરી!

વૈભવનો 171.62નો સ્ટ્રાઇક-રેટ

વૈભવનો 171.62 જેટલો ઊંચો સ્ટ્રાઇક-રેટ હતો. વૈભવે સાઉથ આફ્રિકાના બોલર્સની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. સાતમાંથી પાંચ બોલરની બોલિંગમાં 50થી વધુ રન બન્યા હતા. ઍન્ટેન્ડો સૉની નામના પેસ બોલરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. વૈભવ પોતાના 127 રનના સ્કોર પર સૉનીના બૉલમાં કૅચઆઉટ થયો હતો. લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ અને સાથી ઓપનર રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન આરૉન જ્યોર્જ ઉપરાંત અમદાવાદના વેદાંત ત્રિવેદીએ બનાવેલા 34 રન ટીમમાં થર્ડ-હાઇએસ્ટ હતા.

આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન ફટકાર્યા! 14 વર્ષની ઉંમરે આ દિગ્ગજોના વર્લ્ડ રેકોર્ડ તોડ્યા…

તમામ સાત ભારતીય બોલરને મળી વિકેટ

મુખ્ય કૅપ્ટન આયુષ મ્હાત્રે ઈજાગ્રસ્ત હોવાથી આ શ્રેણીમાં નહોતો રમી રહ્યો અને તેની ગેરહાજરીમાં વૈભવે સુકાન સંભાળ્યું હતું. વૈભવે બુધવારે કૅપ્ટન્સી જે રીતે સંભાળી એની મીડિયામાં પ્રશંસા થઈ રહી છે. ખુદ વૈભવે બે ઓવર બોલિંગ કરી હતી. તેના સહિતના તમામ સાત બોલરને વિકેટ મળી હતી. કિશન સિંહે ત્રણ અને મોહમ્મદ એનાને બે વિકેટ તેમ જ વૈભવ, હેનિલ પટેલ, કનિષ્ક, ઉધવ મોહન અને અંબરિશને એક-એક વિકેટ મળી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button