પટેલ પાવરઃ ઑસ્ટ્રેલિયા સામેની અન્ડર-19 મૅચમાં બે ગુજરાતી ઝળક્યા

મકાય (ઑસ્ટ્રેલિયા): અન્ડર-19 ક્રિકેટમાં ભારતીય ટીમનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ સફળ થઈ રહ્યો છે અને એમાં ઇન્ડિયા અન્ડર-19 ટીમે વન-ડે સિરીઝ 3-0થી જીતી લીધી ત્યાર બાદ હવે ચાર દિવસની યુથ ટેસ્ટની શ્રેણીમાં પણ ભારતીયો 1-0થી આગળ રહ્યા બાદ બીજી મૅચમાં સારું પર્ફોર્મ કરી રહ્યા છે. મંગળવારે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પટેલ અટકવાળા બે ખેલાડી (હેનિલ પટેલ અને ખિલાન પટેલ)એ યજમાન ટીમને 135 રનના સ્કોર સુધી સીમિત રખાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું.
વિલ મૅલઝુકના સુકાનમાં ઑસ્ટ્રેલિયા-એ (Australia A) ટીમ માત્ર 135 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં વિકેટકીપર ઍલેક્સ લી યંગના 66 રન હાઇએસ્ટ હતા. વલસાડના 18 વર્ષીય પેસ બોલર હેનિલ પટેલે 21 રનમાં ત્રણ અને મોડાસાના 18 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર ખિલાન પટેલે 23 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. દિલ્હીના લેફ્ટ-આર્મ પેસ બોલર ઉધવ મોહને બે વિકેટ અને અન્ય પેસ બોલર દીપેશ દેવેન્દ્રને એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડી…
ઑસ્ટ્રેલિયા-એ ટીમના બે પ્લેયર ઝીરોમાં આઉટ થઈ ગયા હતા અને પાંચ પ્લેયરે સિંગલ ડિજિટમાં રન કરીને વિકેટ ગુમાવી હતી.
મુંબઈના આયુષ મ્હાત્રેના સુકાનમાં રમી રહેલી ભારતીય ટીમે (India A) જવાબમાં રમતના અંત સુધીમાં સાત વિકેટે 144 રન કર્યા હતા અને નવ રનની સરસાઈ લીધી હતી. ખિલાન પટેલે 26 રન, અમદાવાદના વેદાંત ત્રિવેદીએ પચીસ રન કર્યા હતા, જ્યારે હેનિલ પટેલ બાવીસ રને નૉટઆઉટ હતો. 14 વર્ષના વૈભવ સૂર્યવંશી ફક્ત 20 રન કરીને આઉટ થઈ ગયો હતો.