રવિવારે દુબઈમાં ભારત-પાકિસ્તાન ફાઈનલ જંગ…

દુબઈઃ રવિવારે અહીં (ભારતીય સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી) ભારત અને પાકિસ્તાનના જુનિયર ક્રિકેટરો વચ્ચેના ટી-20 એશિયા કપની ફાઇનલ રમાશે. ભારત (india) વિક્રમજનક 12મા ટાઇટલની તલાશમાં છે. એટલું જ નહીં, દુશ્મન-દેશ પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓ સાથેની નો હૅન્ડશેક નીતિ પણ ભારતીયો જાળવી રાખશે.
આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં તમામ મૅચો જીતીને ફાઇનલમાં પહોંચી છે. પાકિસ્તાનની ટીમ લીગ રાઉન્ડમાં એકમાત્ર મૅચ હારી છે અને ગયા રવિવારનો એ પરાજય ભારત સામે જ હતો.

સેમિ ફાઇનલમાં ભારતે શ્રીલંકાના હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો હતો.
ભારત પાસે વિકેટકીપર-બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદી સહિતના ભરોસાપાત્ર બૅટ્સમેનો છે. ફરહાન યુસુફ પાકિસ્તાનનો સુકાની છે.
સપ્ટેમ્બરમાં ભારતની સિનિયર ક્રિકેટ ટીમે દુબઈમાં જ પાકિસ્તાનને (ફાઇનલ સહિત) ઉપરાઉપરી ત્રણ મૅચમાં હરાવીને ચૅમ્પિયનપદ જીતી લીધું હતું. જોકે એની ટ્રોફી હજી સુધી ભારતને મળી નથી.



