ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડી...

ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડી…

આયુષ મ્હાત્રેના સુકાનમાં યુવા ટીમ ઑસ્ટ્રેલિયામાં બે સિરીઝ રમશે

મુંબઈઃ ભારત (India)ના અન્ડર-19 વર્ગના ક્રિકેટરોએ ઇંગ્લૅન્ડનો સફળ પ્રવાસ પૂરો કર્યા બાદ હવે આવતા મહિને ઑસ્ટ્રેલિયા (Australia) મોકલવામાં આવનારી જુનિયર ટીમ બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના ત્રણ ખેલાડીનો સમાવેશ છે.

ભારતની અન્ડર-19 (Under-19) વન-ડે અને ટેસ્ટ ટીમનું સુકાન ફરી મુંબઈના આયુષ મ્હાત્રેને સોંપવામાં આવ્યું છે, જ્યારે 14 વર્ષના આક્રમક લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું ત્યાર બાદ હવે તેને ટીનેજ વયે ઑસ્ટ્રેલિયામાં પણ કાબેલિયત બતાવવાની તક મળશે.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ટીમના ત્રણ ગુજરાતી ખેલાડીઓમાં ઑલરાઉન્ડર હેનિલ પટેલ વલસાડનો, ખિલાન પટેલ મોડાસાનો અને વેદાંત ત્રિવેદી અમદાવાદનો છે. ઑસ્ટ્રેલિયામાં આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતની અન્ડર-19 ટીમ ત્રણ વન-ડેની સિરીઝ રમશે જેની પ્રથમ મૅચ 21મી સપ્ટેમ્બરે રમાશે. ત્રણેય મૅચ બ્રિસ્બેનમાં ઇયાન હિલી ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે.

ત્રણ વન-ડે બાદ ભારતની જુનિયર ટીમની ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામે બે ટેસ્ટ મૅચ પણ રમાશે.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ભારતની અન્ડર-19 ટીમ
આયુષ મ્હાત્રે (કૅપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઇસ-કૅપ્ટન), વેદાંત ત્રિવેદી, હેનિલ પટેલ, ખિલાન પટેલ, વૈભવ સૂર્યવંશી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુન્ડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર. એસ. અંબરિશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, ડી. દીપેશ, અનમોલજીત સિંહ, કિશન કુમાર, ઉધવ મોહન અને અમન ચૌહાણ.

આ પણ વાંચો…વૈભવ સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ: ભારતનો એવો પ્રથમ અન્ડર-19 બૅટ્સમૅન છે જેણે…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button