સ્પોર્ટસ

જુનિયર ભારતીયોએ સિનિયરોને શરમાવ્યા, ઇંગ્લૅન્ડમાં શાનથી જીત્યા…

વૈભવ સૂર્યવંશીએ 48માંથી 42 રન ચોક્કા-છગ્ગાથી બનાવ્યાઃ ફ્લિન્ટૉફના પુત્રની હાફ સેન્ચુરી પાણીમાં

બ્રાઇટનઃ ઇંગ્લૅન્ડમાં મંગળવારે શુભમન ગિલના સુકાનમાં ટીમ ઇન્ડિયાનો ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શરમજનક પરાજય થયો હતો, પણ બે દિવસ બાદ (શુક્રવારે) મુંબઈના આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા અન્ડર-19 (UNDER 19) ટીમે ઇંગ્લૅન્ડ અન્ડર-19ને પાંચ મૅચવાળી સિરીઝના પ્રથમ વન-ડે મુકાબલામાં 156 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. આઇપીએલમાં 38 બૉલમાં ધમાકેદાર 101 રનના સ્કોર સાથે સ્ટાર પર્ફોર્મ કરનાર અને રાજસ્થાન રૉયલ્સ પાસેથી 1.10 કરોડ રૂપિયાની કૉન્ટ્રૅક્ટ મની મેળવનાર 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (48 રન, 19 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)એ ફટકાબાજી કરીને ધમાલ મચાવી દીધી હતી. ભારતની અન્ડર-19 ટીમની જીતમાં તેનું (VAIBHAV SURYAVANSHI) મોટું યોગદાન હતું. તેણે 48માંથી 42 રન ફોર-સિક્સરથી બનાવ્યા હતા.

ગુજરાતના બે પ્લેયર ચમક્યા
ઇન્ડિયા અન્ડર-19 ટીમને જીતવા 175 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. સારી શરૂઆત કર્યા બાદ ભારતીય ટીમે 99 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. જોકે અભિજ્ઞાન કુન્ડુ (45 અણનમ, 34 બૉલ, એક સિક્સર, ચાર ફોર) નામના વિકેટકીપરે તેમ જ ગુજરાતના મૌલ્યરાજસિંહ ચાવડા (16 રન, 15 બૉલ, બે ફોર) અને રાહુલ કુમારે (17 અણનમ, પચીસ બૉલ, એક સિક્સર)એ નાની-મોટી ભાગીદારી કરીને ભારતને જીત અપાવી દીધી હતી. કુન્ડુ-રાહુલ વચ્ચે પાંચમી વિકેટ માટે પંચાવન રનની અતૂટ ભાગીદારી થઈ હતી. એ અગાઉ, ઓપનિંગમાં કૅપ્ટન મ્હાત્રે (21 રન, 30 બૉલ, ચાર ફોર) વચ્ચે 71 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

યજમાન ટીમ વતી એ. એમ. ફ્રેન્ચ નામના બોલરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ઇન્ડિયા અન્ડર-19 ટીમે 175 રનના ટાર્ગેટ સામે 24 ઓવરમાં 178/4ના સ્કોર સાથે વિજય હાંસલ કર્યો હતો.
એ પહેલાં, ઇંગ્લૅન્ડ અન્ડર-19 ટીમ 42.2 ઓવરમાં માત્ર 174 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફના 17 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન રૉકી ફ્લિન્ટૉફ (56 રન, 90 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની વિકેટ વલસાડના પેસ બોલર હેનિલ પટેલે લીધી હતી. હેનિલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત વતી રમે છે. તેણે ઇંગ્લૅન્ડ અન્ડર-19ના ઓપનર બી. જે. ડૉક્નિસ (18 રન)ને પણ આઉટ કર્યો હતો.
કનિષ્ક ચૌહાણે ત્રણ વિકેટ તેમ જ હેનિલ ઉપરાંત આર. એસ. અંબરિશ અને મોહમ્મદ એનાને બે-બે વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button