રોહિતભાઈ અને વિરાટભાઈની હાજરીમાં ગિલ કૅપ્ટન્સીમાં વધુ ખીલશેઃ અક્ષર પટેલ…

ઑલરાઉન્ડર કહે છે, ` ગિલ માનસિક બોજ વગર સુકાન સંભાળી રહ્યો છે એ તેનો સૌથી મોટો ગુણ’
પર્થઃ ઑસ્ટ્રેલિયામાં રવિવારે શરૂ થતી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેના સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલે વન-ડે ટીમમાં બે ભૂતપૂર્વ કૅપ્ટનો રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી વિશે બેહદ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ` આ બન્ને દિગ્ગજોની હાજરી નવા સુકાની શુભમન ગિલને કૅપ્ટન તરીકે આગળ વધવામાં ખૂબ મદદરૂપ થશે.’
19મી ઑક્ટોબરે ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે શરૂ થશે. પીટીઆઇના અહેવાલ અનુસાર આ મૅચ માટે ચાલતી પ્રૅક્ટિસના શુક્રવારના બીજા સત્ર બાદ અક્ષરે (Axar) મુલાકાતમાં કહ્યું, ` રોહિતભાઈ અને વિરાટભાઈ માર્ચની ચૅમ્પિયન્સ ટ્રોફી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યા એમ છતાં તેઓ પહેલાં જેવા જ અસરદાર છે.’
રોહિત (Rohit)ના સુકાનમાં ભારતે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી એમ છતાં તેની પાસેથી વન-ડે ટીમની કૅપ્ટન્સી પાછી લઈને ઑસ્ટ્રેલિયાની વન-ડે ટૂર પહેલાં શુભમન ગિલને સોંપાઈ છે.

અક્ષર પટેલે ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડ સાથે સંયુક્ત રીતે પત્રકારોને સંબોધતી વખતે કહ્યું હતું કે ` ગિલની બાબતમાં સૌથી સારું એ છે કે ટીમમાં રોહિતભાઈ અને વિરાટભાઈ હાજર છે. તેઓ બન્ને કૅપ્ટનપદે રહી ચૂક્યા છે એટલે તેઓ ગિલને પોતાના અનુભવો જણાવી શકશે જેને કારણે ગિલની કૅપ્ટન્સી સારી રીતે વિકાસ પામશે. ગિલ કોઈ પણ પ્રકારના માનસિક બોજ વગર સુકાન સંભાળી રહ્યો છે એ તેનો સૌથી મોટો ગુણ છે.’
અક્ષર એક દાયકા પહેલાં ખેલાડી તરીકે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવ્યો હતો. તેણે રોહિત-વિરાટ વિશે એવું પણ કહ્યું કે ` ટ્રૅવિસે કહ્યું એમ આ બન્ને વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. પ્રથમ મૅચ પરથી તેમના ફૉર્મનો ખ્યાલ આવી જશે. તેઓ બેંગ્લૂરુના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ખૂબ પ્રૅક્ટિસ કરીને આવ્યા છે અને વન-ડે શ્રેણીમાં પોતાનો જાદુ બતાવવા તૈયાર છે. તેમના ફૉર્મ અને ફિટનેસ પહેલા જેવા જ છે.
આ પણ વાંચો…ભારતીય ક્રિકેટરોની ફ્લાઇટ પરોઢિયે ચાર વાગ્યે પર્થ પહોંચી, જાણો કઈ કઈ તકલીફ થઈ