ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ? ટીમમાં કોનો થશે સમાવેશ?… આજે જાહેરાત

મુંબઈ: ભારતીય ટેસ્ટ ટીમની આગામી 20 જૂને ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ (TEST SERIES) શરૂ થશે અને એ શ્રેણીથી ભારતને નવો ટેસ્ટ સુકાની (CAPTAIN) મળશે જેના નામની થોડી જ વારમાં જાહેરાત કરવામાં આવશે. આ ટૂર માટેની ટીમ (TEAM)ની પણ ઘોષણા (announcement) કરવામાં આવશે.
શુભમન ગિલ (Shubhman Gill)નું નામ ભારતના નવા કેપ્ટન તરીકે અગ્રેસર છે. જોકે કેએલ રાહુલનું નામ પણ બોલાઈ રહ્યું છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાથી હવે સુકાની તરીકે તેમ જ ટીમમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે તેનું સ્થાન ખાલી પડ્યું છે.
ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેમના સાથી સિલેક્ટરો તેમ જ હેડ-કોચ ગૌતમ ગંભીર મુંબઈમાં બીસીસીઆઈના હેડ ક્વાર્ટર ખાતે ભેગા થયા છે. રોહિત પછી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હોવાથી ટીમમાં તેના સ્થાને પણ નિયુક્તિ કરવામાં આવશે.
જસપ્રીત બુમરાહનું નામ પણ કેપ્ટન તરીકે બોલાઈ રહ્યું છે, પરંતુ ફિટનેસ અપૂરતી હોવાને લીધે તે પોતે જ આખી સિરીઝ નહીં રમે એવું મનાય છે. એ જોતાં પસંદગીકારો બુમરાહને કેપ્ટન બનાવવાનું કદાચ પસંદ નહીં કરે.
મોહમ્મદ શમીને પગની ઘૂંટી બાદ હવે ઘૂંટણની ઈજા છે જેને લીધે તેને કદાચ ઇંગ્લૅન્ડની ટીમમાં સિલેક્ટ નહીં કરવામાં આવે.
કહેવાય છે કે ઓપનિંગના બે સ્થાન માટે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલને સિલેક્ટ કરવામાં આવશે. શુભમન ગિલ ચોથા નંબરે રમશે એવી સંભાવના છે એટલે ત્રીજા ક્રમ માટે સાઈ સુદર્શન અથવા કરુણ નાયરને ટીમમાં સમાવાશે એવી શક્યતા છે.
ભારતની ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની નવી સીઝનમાં ભારતના અભિયાનનો આરંભ થશે.