શર્મનાક પરાજય, ટેસ્ટ ટીમની હાલત `ગંભીર’

ઘરઆંગણે ભારતનું ફરી નાક કપાયું, હેડ-કોચ ગૌતમ ગંભીર બીસીસીઆઇની શરણે
ગુવાહાટીઃ ભારત (india)ની ટેસ્ટ-ટીમ બૅટિંગમાં સાવ બુઠ્ઠી, નિસ્તેજ અને કૌશલ્ય વિનાની છે અને ઘરઆંગણે એક વર્ષમાં ફરી એકવાર આ નબળાઈ છતી ગઈ હતી જેમાં વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે ભારતનો સિરીઝની બીજી ટેસ્ટ (test)માં પણ પરાજય થતાં ટેમ્બા બવુમાની ટીમે 2-0થી ક્લીન સ્વીપ કરી છે. અધૂરામાં પૂરું, હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) પર પસ્તાળ પડે એવી સંભાવના વચ્ચે ખુદ તેણે પોતાનું ભાવિ બીસીસીઆઇના ભરોસે છોડી દીધું છે.
બરાબર એક વર્ષ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો 0-3થી રકાસ થયો હતો અને બુધવારે સાઉથ આફ્રિકા સામે 0-2થી હાર થઈ. 549 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 140 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ. ભારતનો 408 રનના તોતિંગ તફાવતથી પરાજય થયો અને સૌથી મોટા માર્જિનથી હારવામાં ભારતે નવો વિક્રમ રચી દીધો. ભારતની બૅટિંગ આખી સિરીઝમાં એટલી બધી નબળી હતી કે પ્રવાસી ટીમના ખાસ કરીને બે સ્પિનર (સાઇમન હાર્મર અને કેશવ મહારાજ)ના કાંડાની અને આંગળીની કરામત સામે ભારતીય બૅટ્સમેનો સાવ નબળા પુરવાર થયા. આપણી જ ટર્નિંગ વિકેટો પર આપણા સ્પિનર્સે (રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ) સારું પર્ફોર્મ કર્યું, પરંતુ સાઉથ આફ્રિકાના સ્પિનર્સ સામે આપણા બૅટ્સમેનો સદંતર નિષ્ફળ ગયા, પાણીમાં બેસી ગયા.

આ પણ વાંચો: ભારતના ધબડકા પછી ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘કોચનો નિર્ણય બીસીસીઆઈ લેશે પણ…’
સિરીઝમાં એકંદરે યશસ્વી જયસ્વાલની નિષ્ફળતા સાથે ઇનિંગ્સની શરૂઆત થઈ અને આગળ જતાં કે. એલ. રાહુલ, સાઇ સુદર્શન, ધ્રુવ જુરેલ પણ ફ્લૉપ રહ્યા અને રિષભ પંત તથા નીતીશ રેડ્ડીએ દાટ વાળ્યો. બૅટિંગમાં જાણે રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર જેવા ઑલરાઉન્ડર્સ પર આખી ટીમની બૅટિંગનો બોજ હતો એવું લાગ્યું. અનુભવીઓ વિનાની ટેસ્ટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્યિનશિપ (ડબ્લ્યૂટીસી)માં ટીમ ઇન્ડિયાનું નામ બોળ્યું. ગરદનના દુખાવાને કારણે સિરીઝથી દૂર થઈ ગયેલા શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમના નૉન-રેગ્યુલર ખેલાડી રિષભ પંત પર કૅપ્ટન્સીનો બોજ આવી પડ્યો અને તેણે બોલિંગમાં નબળા નિર્ણયોની ઝલક આપી. નીતીશ કુમાર રેડ્ડીને વધારાના પેસ બોલર તરીકે ટીમમાં સમાવ્યો હોય, પણ તેને મોડી બોલિંગ આપવી અથવા ફક્ત ચાર જ ઓવર આપવી એ વળી કેવી સમજદારી કહેવાય? તો પછી અક્ષર પટેલ શું ખોટો હતો? વૉશિંગ્ટન સુંદરને કોલકાતાની પ્રથમ ટેસ્ટમાં વનડાઉનમાં મોકલવામાં આવ્યો અને ગુવાહાટીની બીજી મૅચમાં છેક આઠમા સ્થાને બેસાડી દીધો. કૅપ્ટન, કોચ અને ટીમના સિનિયર ખેલાડીઓથી બનેલા ટીમ-મૅનેજમેન્ટના કેટલાક નિર્ણયો પણ ભારતની શર્મનાક હાર માટે જવાબદાર છે.
આ પણ વાંચો: ભારતની સૌથી મોટા 408 રનના માર્જિનથી હાર: 0-2થી વાઇટવૉશ…
ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારત 18માંથી 10 ટેસ્ટ હાર્યું છે જેમાં બે વાઇટવૉશ સામેલ છે. બુધવારે ભારતનો 408 રનથી પરાભવ થયો. એ સાથે, સૌથી વધુ માર્જિનથી પરાજિત થવામાં ભારતે પોતાનો નવો રેકૉર્ડ કર્યો. આ પહેલાં, 342 રનના માર્જિનથી થયેલી હારનો (21 વર્ષ પહેલાંનો) વિક્રમ હતો જે 2004માં નાગપુરમાં ઑસ્ટ્રેલિયા સામે નોંધાયો હતો.

પરાજય પછી ગૌતમ ગંભીરના નિવેદનો
- હેડ-કોચ તરીકે મારા ભાવિ વિશેનો નિર્ણય હું બીસીસીઆઇ પર છોડું છું. જોકે મારા કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ જે સફળતાઓ મેળવી છે એ પણ કોઈએ ન ભૂલવી જોઈએ.
- મેં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાની જવાબદારી સ્વીકારી હતી ત્યારે જ કહ્યું હતું કે હું મહત્ત્વનો નહીં, પણ ભારતીય ક્રિકેટ મહત્ત્વની છે. હજી પણ હું મારા એ અભિપ્રાયને વળગી રહું છું.
- લોકો એ કેમ ભૂલી ગયા કે ઇંગ્લૅન્ડમાં મેં આ જ યંગ ટીમને કોચિંગ આપેલું અને ભારતે સિરીઝ 2-2થી ડ્રૉ કરાવી હતી. બસ, બધા ન્યૂ ઝીલૅન્ડ સામે ગયા વર્ષે ઘરઆંગણે થયેલા 0-3ના વાઇટવૉશની જ વાતો કર્યા કરે છે. યાદ છેને, મારા જ કોચિંગમાં ભારત આ વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીત્યું છે.
- પરાજય માટે ટીમના બધા જ દોષી હોવા જોઈએ. ભલે, એની શરૂઆત મારાથી કરો. આપણે સારી બૅટિંગ કરવી જોઈતી હતી. (ગુવાહાટીમાં પ્રથમ દાવમાં) 95 રન પર એક જ વિકેટ હોય અને 122મા રને જો સાતમી વિકેટ પડે તો એ ચાલે જ નહીંને. વ્યક્તિગત રીતે કે કોઈ ખાસ પ્રકારના શૉટને દોષ ન દેવો જોઈએ. હાર માટે દરેક ખેલાડી જવાબદાર કહેવાય. હું ક્યારેય કોઈ એક વ્યક્તિને (એક ખેલાડીને) દોષી નથી માનતો. ભવિષ્યમાં પણ આ જ અભિગમ રાખીશ.
- રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ ક્રિકેટ) વાઇટ બૉલ ક્રિકેટ (વન-ડે તથા ટી-20)થી સાવ ભિન્ન છે. એમાં (રેડ બૉલ ક્રિકેટમાં) અલગ જ પ્રકારના કૌશલ્યથી રમવું પડે. એમાં સૌથી આક્રમક અને સૌથી આકર્ષક બૅટ્સમૅનની જરૂર ન પડે. એમાં તો ઓછી કુશળતા હોવા છતાં સુદૃઢ માનસિકતા ધરાવતા હોય એવા બૅટ્સમૅનની જરૂર પડે જે કોઈ પણ પિચ પર કોઈ પણ પરિસ્થિતિમાં સારું રમી શકે, અડીખમ રહી શકે.



