T20 World Cup 2024સ્પોર્ટસ

ટી-20નો નવો કૅપ્ટન કોણ? નવા હેડ-કોચ કોણ?: જય શાહે આપી દીધા મોટા નિવેદન

2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કોણ રમશે એ વિશે બીસીસીઆઇ સેક્રેટરીએ શું કહ્યું એ જાણો…

નવી દિલ્હી: ભારતે શનિવારે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધા પછી કૅપ્ટન રોહિત શર્મા તથા ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ તેમ જ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે હવે ભારતની ટી-20 ટીમમાં ખાલી પડેલી આ ત્રણ જગ્યા કોનાથી ભરાશે એ મુદ્દો ચર્ચામાં છે ત્યાં બીજા બે મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે ટી-20 ટીમનો કૅપ્ટન કોણ બનશે અને રાહુલ દ્રવિડના સ્થાને નવા હેડ-કોચ કોને બનાવાશે વિશે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે બાર્બેડોઝથી મહત્ત્વના નિવેદનો આપ્યા છે.

અહીં ખાસ જણાવવાનું કે હાર્દિક પંડ્યા આ વર્લ્ડ કપમાં વાઇસ-કૅપ્ટન હતો. ડેપ્યૂટી હાર્દિકનો આખી ટૂર્નામેન્ટમાં કૅપ્ટન રોહિત સાથે બહુ સારો તાલમેલ હતો અને ટ્રોફી જીતી લીધા પછીના સેલિબ્રેશન દરમ્યાન રોહિતે આનંદની પળોમાં હાર્દિકનો ગાલ ચૂમી લીધો હતો અને તેને શાબાશી તેમ જ અભિનંદન આપ્યા હતા.

2021માં કોહલીએ ટી-20 ટીમની કૅપ્ટન્સી છોડી ત્યાર બાદ એ જવાબદારી રોહિતને સોંપવામાં આવી હતી. જોકે 2022માં અને 2023માં અમુક સિરીઝમાં હાર્દિકને ટી-20 ટીમની કૅપ્ટન્સી સોંપાઈ હતી, કારણકે એ સમયગાળા દરમ્યાન રોહિત અને કોહલી ટી-20 ક્રિકેટથી દૂર રહ્યા હતા.

ઑક્ટોબર-નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપમાં ફાઇનલ સુધીની સફરમાં રોહિતનો કૅપ્ટન તરીકેનો પર્ફોર્મન્સ સારો હોવાથી આ વખતના ટી-20 વિશ્ર્વ કપની કમાન તેને જ સોંપાઈ હતી.

હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં ઘણું સારું રમ્યો. ખાસ કરીને તેણે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલની 20મી ઓવરમાં બે વિકેટ લઈને 16 રન ડિફેન્ડ કર્યા અને ભારતને સાત રનના માર્જિનથી વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

હવે ભારતની ટી-20 ટીમની કમાન કોને સોંપાશે? એ સવાલ ક્રિકેટજગતમાં ચર્ચાઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા ઉપરાંત શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહના નામ પણ ચર્ચામાં છે. જય શાહ બાર્બેડોઝથી ભારતીય ટીમ સાથે પાછા આવી રહ્યા છે. પીટીઆઇના અહેવાલ મુજબ જય શાહે હાર્દિક પંડ્યાના નામનો સંકેત આપ્યો હતો. હવે ટી-20 ટીમની કૅપ્ટન્સી કોને સોંપવામાં આવશે એ વિશે પૂછાતાં તેમણે કહ્યું હતું, ‘કૅપ્ટન કોને બનાવાશે એ નિર્ણય સિલેક્ટર્સ લેશે. તેમની સાથેની ચર્ચા પછી હું નામ ઘોષિત કરીશ. તમે હાર્દિક વિશે જ પૂછી રહ્યા છો તો કહીશ કે તેના ફૉર્મ વિશે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ અમને તેમ જ સિલેક્ટર્સને તેની ક્ષમતા પર ભરોસો હતો જ અને તેણે અમારા ભરોસા પ્રમાણે રમી દેખાડ્યું.’

જય શાહે નવા હેડ-કોચ વિશે સવાલ પૂછવામાં આવતાં કહ્યું, ‘અમે નવા નામની જાહેરાત બાર્બેડોઝથી મુંબઈ પાછા આવ્યા બાદ કરીશું. અમે બે નામ શૉર્ટ-લિસ્ટ કર્યા છે અને એમાંથી એકની પસંદગી અમે કરીશું. નવા હેડ-કોચ શ્રીલંકા ખાતેના પ્રવાસથી જવાબદારી સ્વીકારશે.’

રાહુલ દ્રવિડે હેડ-કોચના હોદ્દા પર જળવાઈ રહેવાની ઇચ્છા ન બતાવી એટલે નવી અરજીઓ મગાવવામાં આવી હતી. ગૌતમ ગંભીરનું નામ દ્રવિડના અનુગામી તરીકે સૌથી આગળ છે. ભૂતપૂર્વ ખેલાડી ડબ્લ્યૂ. વી. રામન અને એક વિદેશી કોચના પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે.

વન-ડે તથા ટી-20 વર્લ્ડ કપમાં ભારતે અનુભવી અને યુવા ખેલાડીઓના કૉમ્બિનેશન સાથેની ટીમ મેદાન પર ઉતારી હતી. જય શાહે કહ્યું કે ‘આવી જ ટીમ ફેબ્રુઆરી, 2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઉતારવામાં આવશે. હવે પછી ભારતનો લક્ષ્યાંક 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી અને ટેસ્ટનો વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ) જીતવાનો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ