સૅમસન સાથે ટીમમાં જો ટક્કર થશે તો શું કરશે જિતેશ શર્મા? ચેતવણી તેના જ શબ્દોમાં જાણીએ…

ન્યૂ ચંડીગઢઃ ટી-20ના મેન્સ વર્લ્ડ કપને બે મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, પરંતુ ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપની સમસ્યાનો હજી પણ ઉકેલ નથી આવ્યો. એમાં પણ ખાસ કરીને સંજુ સૅમસન અને જિતેશ શર્માના સ્થાન વિશે હજીયે અનિશ્ચિતતા છે. જિતેશે મંગળવારની પ્રથમ ટી-20 બાદ જે નિવેદનો આપ્યા એ રસપ્રદ છે.
એક તરફ રિન્કુ સિંહની બાદબાકી થતાં ટીમમાં ફિનિશરના રોલ વિશેની ચિંતા વધી ગઈ છે, જ્યારે બીજી બાજુ મંગળવારે કટકના બારામતી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે જિતેશ (Jitesh)ને મોકો આપવામાં આવતાં બે મહિનાથી ટી-20 ટીમમાં વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળતા સંજુ સૅમસને બહાર રહેવું પડ્યું હતું.
એ તો બધા જાણે છે કે ગૌતમ ગંભીર હેડ-કોચ બન્યો છે ત્યારથી મિડલ ઑર્ડરમાં ઑલરાઉન્ડરોની ભરમાર રહી છે. સૅમસન (Samson) ટૉપ-ઑર્ડરનો બૅટ્સમૅન છે, જ્યારે જિતેશ શર્મા મિડલમાં રમે છે. સૅમસનને બદલે જિતેશને કટકમાં રમાડવામાં આવતાં ઘણા ચોંકી ગયા હશે.
જોકે જિતેશ શર્માએ મંગળવારની મૅચ બાદ પત્રકારોને સૅમસન વિશે પૂછાતાં કહ્યું, ` ખરું કહું તો તેઓ (સૅમસન) મારા મોટા ભાઈ જેવા છે. ટીમમાં જેમ વધુ કૉમ્પિટિશન થાય એમ પ્લેયરની પ્રતિભા વધુ ઉજળી થાય છે. ટીમ માટે પણ એ સારું છે. ટીમમાં ઘણું ટૅલન્ટ છે જે દરેક ક્રિકેટપ્રેમી સમજી શકે છે.’
જિતેશે જર્નલિસ્ટોને વધુમાં કહ્યું, ` સંજુભાઈ બહુ સારા પ્લેયર છે. મારે તેમની સાથે કૉમ્પિટિશન/ટક્કર કરવી જ પડશે. એવું કરવામાં મારે મારું બેસ્ટ પર્ફોર્મ કરવું જ પડશે. અમે બન્ને ખેલાડી ભારત વતી રમવાની કોશિશમાં છીએ. અમે બન્ને ભાઈઓ જેવા છીએ. અમે એકમેક સાથે ઘણું ક્રિકેટ રમ્યા છીએ અને તેઓ મારી ખૂબ મદદ પણ કરતા હોય છે. મારે જો તેની સાથે સ્પર્ધામાં ઊતરવું પડશે તો અમારે ખભેખભો મિલાવીને રમવું પડશે. મારી વાત કરું તો મારે એ સ્થિતિમાં મારી બેસ્ટ ગેમ બતાવવી પડશે.’



