બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલાં જ ભારતને ત્રણ ઝટકા, આ ત્રણ ખેલાડીને થઈ ઈજા…

મેલબર્ન: ઑસ્ટ્રેલિયામાં રવિચંદ્રન અશ્વિનના ઓચિંતા રિટાયરમેન્ટના આઘાતમાંથી ભારતીય ટીમ હજી બહાર નથી આવી ત્યાં એને ત્રણ ઝટકા લાગ્યા છે. ત્રણ ભારતીય ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ છે. જોકે આ ઈજા ગંભીર નથી અને નજીવી હોવાનું જણાવાયું છે.
મેલબર્નમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ગુરૂવાર, 26 ડિસેમ્બરે (બોક્સિંગ-ડે) શરૂ થશે.
પ્રેક્ટિસ દરમ્યાન કેપ્ટન રોહિત શર્માને ડાબા પગના ઘૂંટણમાં નજીક ઈજા થઈ હતી. તેનું ઘૂંટણ સૂજી ગયું હતું અને ઘણીવાર સુધી ઘૂંટણ પર બરફનો શેક કરવામાં આવ્યો હતો. પછીથી તે ઘણીવાર સુધી બેઠો હતો અને બોલિંગ-કોચ મોર્ની મોર્કલ સાથે વાતચીતમાં મગ્ન હતો.
પેસ બોલર આકાશ દીપને હાથ પર બૉલ વાગ્યો હતો. જોકે તેની ઈજા પણ ગંભીર નહોતી. તેનો હાથ થોડો છોલાઈ ગયો હતો.
આકાશ દીપે પણ ઈજાવાળા હાથ પર પટ્ટી બંધાવી હતી. પછીથી તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે જેના પર પ્રેક્ટિસ કરી એ પિચ વાઈટ-બૉલ ક્રિકેટ (મર્યાદિત ઓવરોની મૅચ) માટેની હતી. એ પિચ પર ઘણી વાર બૉલ નીચો રહી જતો હતો. પ્રેક્ટિસમાં આવી નાની ઈજા તો થતી રહે. મને હાથમાં હવે ઘણું જ સારું છે અને ચિંતા કરવા જેવું કંઈ નથી. “
આ પણ વાંચો…ભારતીય મહિલાઓનો જયજયકાર…અન્ડર-19 ટીમ બની એશિયન ચેમ્પિયન
ઑસ્ટ્રેલિયા ખાતેની વર્તમાન સિરીઝ દરમ્યાન ભારતના ટૉપ બૅટિંગ ઓર્ડરમાં એકમાત્ર કેએલ રાહુલ સૌથી સારા ફોર્મમાં છે અને ભારતને પરાજય સામે બચાવવામાં મોટું યોગદાન આપી રહ્યો છે. ત્રણ ટેસ્ટના છ દાવમાં તેણે 47.00ની બૅટિંગ સરેરાશે તેણે કુલ 235 રન કર્યાં છે.
જોકે તેને મેલબર્નમાં પ્રેક્ટિસ દરમ્યાન જમણા હાથ પર ઈજા થઈ હતી અને તરત જ તેણે ફિઝિયોથેરપિસ્ટની મદદ લેવી પડી હતી.
