ગોલ્ડથી આરંભ, સુવર્ણ સાથે સમાપન
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારત વતી અવનિએ ધમાકેદાર શરૂઆત કરી અને નવદીપે પણ

પૅરિસ: અહીં પૂરા થયેલા પૅરિસ પૅરાલિમ્પિક્સના 11 દિવસના જલસામાં ચીન, બ્રિટન અને અમેરિકા મોખરે રહ્યા, પરંતુ ભારતે 18મા સ્થાને રહીને પણ ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાવી છે. ભારત આ વખતે રેકૉર્ડ-બ્રેક 29 મેડલ જીત્યું. એટલે કે અગાઉ ક્યારેય પણ ભારતે એક સીઝનમાં કુલ 20 ચંદ્રક પણ નહોતા જીત્યા, પણ આ વખતે 29 મેડલ જીતીને કમાલ કરી છે. આ વખતે અવનિ લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ જીતીને ભારતને ગૌરવ અપાવવાની શરૂઆત કરી હતી અને શનિવારે રાત્રે ભારતને છેલ્લો જે મેડલ નવદીપ સિંહે ભાલાફેંકમાં અપાવ્યો એ પણ ગોલ્ડ હતો. ઇરાનના ગોલ્ડ મેડલિસ્ટે વિવાદાસ્પદ ધ્વજ વારંવાર ફરકાવી 8.1 નંબરના કાયદાનો ભંગ કર્યો એ બદલ તેનો ગોલ્ડ પાછો લઈને નવદીપને સુવર્ણ-વિજેતા બનાવાયો હતો.
ભારત 2036ની સમર ઑલિમ્પિક્સનું યજમાનપદ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને જો એમાં સફળતા મળશે તો પરંપરા અનુસાર એ વર્ષની ઑલિમ્પિક ગેમ્સની સાથે દિવ્યાંગો માટેની પૅરાલિમ્પિક્સ પણ ત્યારે યોજાશે.
આ વખતે ભારત માટે ઘણા ચંદ્રક ઐતિહાસિક હતા. પ્રીતિ પાલ 100 મીટર દોડમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતી તો કપિલ પરમારે ભારતને જુડોમાં સૌથી પહેલો પૅરાલિમ્પિક્સ મેડલ અપાવ્યો હતો. તીરંદાજીમાં અને ક્લબ-થ્રોની રમતમાં અનુક્રમે હરવિન્દર સિંહ અને ધરમબીરે ભારતને ગોલ્ડ અપાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. બ્રૉન્ઝ વિજેતા શીતલ દેવી બન્ને પગથી તીરંદાજીનો પૅરાલિમ્પિક્સ મેડલ જીતનારી વિશ્ર્વની પ્રથમ સ્પર્ધક છે.
ભાલાફેંકમાં સુમિત અંતિલ અને શૂટિંગમાં અવનિ લેખરા ઉપરાઉપરી બે પૅરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ જીતનાર ભારતના માત્ર બે સ્પર્ધક છે. બૅડમિન્ટનમાં નિતેશ કુમાર પણ ગોલ્ડ જીત્યો હતો. આવનારી પૅરાલિમ્પિક્સમાં સ્વિમિંગની રમતમાં ભારત વધુ સ્વિમર્સ મોકલીને ચંદ્રકની સંખ્યા ઘણી વધારી શકશે.
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
1 ચીન 94 76 50 220
2 બ્રિટન 49 44 31 124
3 અમેરિકા 36 42 27 105
4 નેધરલૅન્ડ્સ 27 17 12 56
5 તટસ્થ ઍથ્લીટો 26 22 23 71
18 ભારત 7 9 13 29
નોંધ: તટસ્થ ઍથ્લીટો રશિયા તથા બેલારુસના હતા.