ક્યા ભારતીય ખેલાડીઓ શ્રીલંકા જશે? જાણી લો સંભવિત ટીમ ઇન્ડિયા…
ગૌતમ ગંભીર પલ્લેકેલની મૅચ સાથે શરૂ કરશે હેડ-કોચની ઇનિંગ્સ: બુમરાહને આરામ અપાશે?
નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓ આ મહિને ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મૅચ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જવાના છે. 26મી જુલાઈએ સિરીઝની પ્રથમ ટી-20 રમાશે અને એ સાથે ત્રણ પીઢ ખેલાડીઓના રિટાયરમેન્ટ પછીની યુવા ટીમનો નવો યુગ શરૂ થશે અને ગૌતમ ગંભીરની પણ હેડ-કોચ તરીકેની ઇનિંગ્સનો પણ આરંભ થશે. શ્રીલંકા ખાતેના પ્રવાસ માટે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે એની થોડા દિવસમાં સત્તાવાર રીતે જાણ થઈ જશે. જોકે સંભવિત ટીમ પર એક નજર કરવું રસપ્રદ બની રહેશે. હાર્દિક પંડ્યા શ્રીલંકાના પ્રવાસ માટેની ટીમમાં કૅપ્ટન બનાવાશે એવી શક્યતા છે.
ભારતીયો વર્લ્ડ ચૅમ્પિયન તરીકે શ્રીલંકા સામેની સિરીઝમાં રમવાની શરૂઆત કરશે. આ પ્રવાસ માટેની ભારતીય ટીમમાં મોટા ભાગના વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓ સામેલ હશે. હાલમાં ઝિમ્બાબ્વેમાં શુભમન ગિલના સુકાનમાં રમી રહેલી ટી-20 ટીમમાં એકમાત્ર શિવમ દુબે વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી છે. યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ અને સંજુ સૅમસન રિઝર્વ પ્લેયર્સમાં હતા.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. એવું મનાય છે કે જસપ્રીત બુમરાહને શ્રીલંકાના પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે.
આ પણ વાંચો : ‘વિરાટને પાકિસ્તાનમાં ભારત કરતા વધુ પ્રેમ મળશે…’ પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીનું નિવેદન
એ જોતાં શ્રીલંકા સામેની આગામી ટી-20 સિરીઝ માટેની ટીમમાં આ ખેલાડીઓનો સમાવેશ હોઈ શકે: હાર્દિક પંડ્યા (કૅપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સૅમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આવેશ ખાન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર/તુષાર દેશપાંડે/ખલીલ અહમદ.