ભારતને બુધવારે શ્રીલંકા સામે એશિયા કપની હારનો વર્લ્ડ કપમાં બદલો લેવાનો મોકો

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ એક મૅચ જીતી અને એક હારી છે એટલે સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે, જ્યારે બીજી બાજુ શ્રીલંકાની ટીમ બન્ને મુકાબલા હારી છે એટલે ગ્રૂપ-એના પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે છે. બુધવારે ભારતને ન્યૂ ઝીલૅન્ડની જેમ શ્રીલંકા પણ ભારે પડી શકે એનું સૌથી મોટું કારણ એ છે કે જુલાઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતનો શ્રીલંકા સામે જ પરાજય થયો હતો અને હારની એ પરંપરા જળવાય નહીં એવી પ્રાર્થના ભારતીય ક્રિકેટપ્રેમીઓએ કરવી પડશે. જોકે ભારતીય ટીમ એશિયા કપની હારનો બદલો લેવા કોઈ કસર બાકી નહીં રાખે એ વાત પણ કોઈ નકારશે નહીં.
શુક્રવારે વર્લ્ડ કપમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે 58 રનથી કારમી હાર સહન કરવી પડી હતી, પણ રવિવારે ભારતે પાકિસ્તાનને છ વિકેટે પરાજય ચખાડ્યો હતો.
પાકિસ્તાન જેવી કટ્ટર અને મજબૂત હરીફ ટીમને હરાવ્યું હોવાથી સ્વાભાવિક છે કે ભારતીય ટીમનો જુસ્સો બુલંદ જ હશે. બીજું, ટી-20ના ઇતિહાસમાં શ્રીલંકા સામે ભારતનો હાથ ઉપર પણ છે. 24માંથી 19 ટી-20માં ભારતની અને ફક્ત પાંચ મૅચમાં શ્રીલંકાની જીત થઈ છે. છેલ્લે જુલાઈમાં તો ભારતનો શ્રીલંકા સામે દામ્બુલામાં પરાજય થયો જ હતો, પણ એ પહેલાંની દસ ટી-20 મૅચમાંથી નવમાં ભારતનો વિજય થયો હતો એટલે શ્રીલંકનો પર ભારતનું 90 ટકા જેટલું પ્રભુત્વ તો કહેવાય જ.
આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સૌથી મોટી ચિંતા એ છે કે બૅટિંગ સતતપણે સારી નથી જોવા મળી. ખાસ કરીને વિસ્ફોટક બૅટિંગ કરી જાણતી શેફાલી વર્મા અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના ધાર્યા જેટલું સારું નથી રમી શકી. પહેલી બે મૅચમાં શેફાલીના નામે અનુક્રમે બે તથા 32 રન અને સ્મૃતિના નામે અનુક્રમે 12 તથા 7 રન છે.
આ પણ વાંચો :ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…
બન્ને ઓપનરે બુધવારે શ્રીલંકા સામે જોડીમાં ચમકવું જ પડશે. એવું થશે તો જ મિડલ-ઑર્ડર પરનું માનસિક દબાણ આપોઆપ ઓછું થઈ શકશે.
જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્માએ અને વિકેટકીપર રિચા ઘોષે પણ રનનો ઢગલો કરીને ટીમને જિતાડવાની જવાબદારી ઉપાડવી પડશે.
પેસ બોલર અરુંધતી રેડ્ડી પાકિસ્તાન સામે 19 રનમાં ત્રણ વિકેટના પર્ફોર્મન્સ સાથે બહુ સારું રમી હતી, પરંતુ સામા છેડે તેને રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રાકરનો પૂરતો સપોર્ટ મળવો જોઈશે.
યાદ છેને, કૅપ્ટન હરમનપ્રીત કૌરને રવિવારે પાકિસ્તાન સામેની મૅચમાં સ્ટમ્પ-આઉટથી બચવા ગરદનમાં ઈજા થઈ હતી. તે બુધવારે શ્રીલંકા સામે કદાચ ન પણ રમે.
યુવા ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલ અને લેગ-સ્પિનર આશા શોભનાએ ટીમને વિકેટો અપાવી છે અને એ જ દેખાવ તેમણે શ્રીલંકા સામે જાળવી રાખવો પડશે.
છેલ્લી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા રાહ જોઈને બેઠું હશે, એટલે રવિવારની એ ‘કરો યા મરો’ જેવી મૅચ પહેલાં બુધવારે ભારતીય ટીમે સારા નેટ રન-રેટથી જીતવું જ પડશે.
ભારતને સૌથી મોટો ડર શ્રીલંકાની કૅપ્ટન ચમારી અથાપથ્થુનો છે. આ ઑલરાઉન્ડર મહિલાઓના રૅન્કિંગમાં (બૅટર્સમાં) છઠ્ઠા નંબરે અને (ઑલરાઉન્ડર્સમાં) પાંચમા નંબરે છે.
બન્ને દેશની ટીમ:
ભારત: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.
શ્રીલંકા:
ચમારી અથાપથ્થુ (કૅપ્ટન), વિષ્મી ગુણરત્ને, હર્શિતા સમરાવિક્રમા, હાસિની પરેરા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), નિલાક્ષીકા સિલ્વા, કવિશા દિલહારી, ઍમા કંચના, ઇનોશી પ્રિયદર્શની, શશીની ગિમહાની, અચીની કુલાસુરિયા, સુગંદીકા કુમારી, સચિની નિસન્સાલા, ઉદેશિકા પ્રબોધની અને ઇનોકા રણવીરા.