ભારત સામે શ્રીલંકા 27 વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું: આજે અંતિમ મૅચ

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે (બપોરે 2.30 વાગ્યાથી) વરસાદની સંભાવના વચ્ચે ત્રણ મૅચવાળી વન-ડે શ્રેણીની છેલ્લી મૅચ રમાશે. શ્રીલંકા સામે ભારત છેલ્લે 1997માં (27 વર્ષ પહેલાં) વન-ડે સિરીઝ હાર્યું હતું એટલે એની સામે શ્રેણી ન હારવાની પરંપરા ભારતે આજે જીતીને જાળવી રાખવાની છે.
પ્રથમ મુકાબલો ટાઇ રહ્યા બાદ શ્રીલંકાએ રવિવારે સ્પિનર જેફરી વૅન્ડરસેના છ વિકેટના તરખાટ સાથે વિજય મેળવીને સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. જો આજે પણ ભારત હારશે તો છેલ્લી તમામ 10 વન-ડે શ્રેણી શ્રીલંકા સામે જીત્યા બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી હાર કહેવાશે. જોકે આજે જીતીને શ્રેણી 1-1થી સમકક્ષ કરવાનો ભારતને મોકો છે.
ભારતીય ટીમ છેલ્લી કુલ બાવીસમાંથી પાંચ જ વન-ટુ-વન વન-ડે સિરીઝ હાર્યું છે.
કેપ્ટન રોહિત શર્માએ આ શ્રેણીમાં 122માંથી 90 રન સિક્સર અને ફોરમાં બનાવ્યા છે. આજે ટીમને અને કરોડો ચાહકોને તેની પાસે મૅચ-વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા હશે જ.
શિવમ દુબે સ્પિન બોલિંગ સામે ઘણું સારું રમી શકે છે, પરંતુ રિયાન પરાગ બૅટિંગ ઉપરાંત બોલિંગમાં પણ ઘણો કામ લાગતો હોવાથી આજે શિવમને બદલે કદાચ રિયાનને રમવાનો મોકો મળી શકે.
બન્ને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે/રિયાન પરાગ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા, જેનિથ લિયાનાગે, દુનિથ વેલાલાગે, કામિન્ડુ મેન્ડિસ, જેફરી વેન્ડરસે, અકિલા ધનંજયા, અસિથ ફર્નાન્ડો.