પાકિસ્તાન સાથેના ક્રિકેટ-સંબંધો વિશે ખેલકૂદ મંત્રાલયે મોટી જાહેરાત કરી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાન સાથેના ક્રિકેટ-સંબંધો વિશે ખેલકૂદ મંત્રાલયે મોટી જાહેરાત કરી

નવી દિલ્હીઃ યુએઇમાં નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia Cup)માં પાકિસ્તાન સામે ભારત રમશે કે નહીં એ વિશે ઘણા દિવસોથી અટકળો થઈ રહી છે અને હજી પણ થતી રહી હોત. જોકે ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે (Sports Ministry) ગુરુવારે સ્પષ્ટતા કરી દીધી કે પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષી (Bilateral) સ્તરે રમતગમતમાં કોઈ પણ પ્રકારના સંબંધો નહીં રાખે, પરંતુ એશિયા કપ જેવી બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં (જેમાં પાકિસ્તાન રમવાનું હોય એમાં) કેન્દ્ર સરકાર ભારતીય ટીમને રમતી નહીં અટકાવે.

પાકિસ્તાન સામે દ્વિપક્ષી સિરીઝો એટલે કે બન્ને દેશ વચ્ચેની શ્રેણી રમવાનું ભારતે 17 વર્ષથી બંધ કર્યું છે. 2008 સુધી આ સંબંધો સક્રિય હતા, પરંતુ નવેમ્બર, 2008માં પાકિસ્તાને મુંબઈમાં આતંકવાદી હુમલા (26/11) કરાવ્યા ત્યાર પછી ભારતે પાકિસ્તાન સામે ક્યારેય દ્વિપક્ષી સિરીઝ નથી રાખી કે ભારતીય ક્રિકેટરોને પાકિસ્તાન પણ નથી મોકલ્યા. 2009ની સાલથી ક્યારેય પાકિસ્તાની ખેલાડીઓને આઇપીએલમાં પણ નથી રમવા દેવામાં આવતા.

આ પણ વાંચો: પાકિસ્તાન સામે રમીને કમાણી કરવાની તક નહીં છોડી! આદિત્ય ઠાકરેએ કરી BCCI ની આકરી ટીકા

આંતરરાષ્ટ્રીય ખેલકૂદમાં ભારતની નવી નીતિની જાહેરાત મંત્રાલયે ગુરુવારે કરી હતી જેમાં પાકિસ્તાન સાથેના ખેલકૂદ સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ નીતિ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે.

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી છે કે ` દ્વિપક્ષી મૅચ કે શ્રેણીની વાત કરીએ તો ભારતીય ટીમો પાકિસ્તાનમાં નહીં રમે તેમ જ પાકિસ્તાની ટીમને પણ ભારતમાં દ્વિપક્ષી મૅચ કે સિરીઝ રમવા નહીં દેવાય. જોકે ભારત-પાકિસ્તાન ઉપરાંતના દેશો સહિતની બહુરાષ્ટ્રીય (Multinational) ટૂર્નામેન્ટને આ નીતિ કડક નીતિ લાગુ નહીં પડે. એશિયા કપ જેવી બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા સંબંધમાં ભારતીય ટીમને નહીં અટકાવવામાં આવે. એક ખુલાસો એ પણ કરવાનો કે ભારતની ધરતી પર પાકિસ્તાનને નહીં રમવા દેવાય. બીજી રીતે કહીએ તો ભારતમાં પાકિસ્તાન સામે કોઈ જ દ્વિપક્ષી શ્રેણી નહીં રાખવામાં આવે. જોકે ઑલિમ્પિક્સને લગતા નિયમોને અનુસરીને ભારત પોતાને ત્યાં રમાનારી બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાકિસ્તાનને ભાગ લેતું નહીં રોકે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button