વર્ષ 2026 એટલે ખેલનો ખજાનોઃ ક્રિકેટના ત્રણ વિશ્વ કપ અને ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ…

નવી દિલ્હીઃ ભારત અને ભારતીય સ્પોર્ટ્સપર્સન્સ માટે 2025નું વર્ષ કેટલીક નિરાશાઓને બાદ કરતા એકંદરે રોમાંચક અને ગૌરવશાળી બન્યું અને હવે 2026 (Year 2026)ની નવી સાલ ભારતીય ખેલકૂદ માટે સિરીઝો અને સ્પર્ધાઓનો ખજાનો લઈને આવી ગઈ છે. ક્રિકેટ સહિત ઘણી રમતોમાં ભારતીયોને વિશ્વ ખિતાબ જીતવાની તક મળશે.
2028માં લૉસ ઍન્જલસમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાવાની છે અને એ માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ટૅલન્ટ અને ક્ષમતા બતાવવાની ભારતીય ખેલવીરો અને વીરાંગનાઓને તક મળશે. ભારતના જૂના-ખેલાડીઓ તથા ઍથ્લીટો મેડલના મંચ પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આપણે અહીં 2026ના નવા વર્ષમાં ચંદ્રકો અને ટ્રોફી જીતવા શેમાં તક મળવાની છે એના પર નજર કરીએ.
2026ના પહેલા ત્રૈમાસિક ગાળામાં તો ક્રિકેટના સ્ટેડિયમો જ ગૂંજતા રહેશે. આ સમયગાળાની શરૂઆત ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝથી થશે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા હજારો પ્રેક્ષકોને સ્ટેડિયમ તરફ આકર્ષશે અને કરોડો દર્શકો ટીવી સામે ગોઠવાયેલા રહેશે. યાદ રહે, 2026ના વર્ષમાં આઇપીએલ ઉપરાંત ક્રિકેટના ત્રણ-ત્રણ વર્લ્ડ કપ (World Cup) રમાવાના છે અને આવું જવલ્લે જ બનતું હોય છે એટલે 2026નું વર્ષ મોટા ભાગે ક્રિકેટમય બની રહેશે એમાં બેમત નથી.

જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ
(1) 11મી જાન્યુઆરીએ ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે અને ત્યાર પછી પાંચ મૅચની ટી-20 શ્રેણી પણ રમાશે.
(2) 15મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ઝિમ્બાબ્વે અને નામિબિયામાં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ રમાશે.
(3) અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલના બીજા જ દિવસે મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. ભારત અને શ્રીલંકામાં આ વિશ્વ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલશેર્.
(4) 12 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ટેનિસની ઑસ્ટ્રેલિયન ઓપન રમાશે.
(5) 1 માર્ચથી એએફસી વિમેન્સ એશિયન કપ ફૂટબૉલ સ્પર્ધા રમાશે.
(6) 3જી માર્ચે બૅડમિન્ટનની ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ શરૂ થશે.

એપ્રિલ-મે-જૂન
(1) ચેસની ધ કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ સાયપ્રસમાં રમાવાની છે અને આ સ્પર્ધા માર્ચના અંતમાં શરૂ થઈ હશે અને એપ્રિલમાં પૂરી થશે. એમાં આર. પ્રજ્ઞાનાનંદ, આર. વૈશાલી, કૉનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ સહિત ભારતના ટોચના ખેલાડીઓ ટૅલન્ટ બતાવશે. આ ટૂર્નામેન્ટમાં વિજેતા બનનાર ખેલાડી પછીથી વર્લ્ડ ચૅૅમ્પિયનશિપના તાજ માટે વર્તમાન વિશ્વ વિજેતા ડી. ગુકેશને પડકારશે.
(2) મોંગોલિયામાં બૉક્સિંગની એશિયન ચૅમ્પિયનશિપ પણ વિશ્વભરનું ધ્યાન ખેંચશે. માર્ચના અંતે શરૂ થયેલી આ સ્પર્ધા 11મી એપ્રિલે પૂરી થશે.
(3) 1 એપ્રિલે અમદાવાદમાં વેઇટલિફ્ટિંગની એશિયન ચૅમ્પિયનશિપ શરૂ થશે.
(4) અમદાવાદમાં 24મી એપ્રિલે બૅડમિન્ટનના થૉમસ અને ઉબેર કપ રમાશે.
(5) 28મી એપ્રિલે લંડનમાં આઇટીટીએફ વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ ફાઇનલ્સ શરૂ થશે જેમાં ભારતના પુરુષ અને મહિલા, બન્ને વર્ગના ખેલાડીઓ ક્વૉલિફાય થયા છે.
(6) 12મી જૂનથી ઇંગ્લૅન્ડમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. એમાં ભારતની મહિલા ક્રિકેટરો 2025ના વન-ડે વર્લ્ડ કપની માફક ટી-20 વિશ્વ કપનો પણ પ્રથમ તાજ જીતવા મેદાને પડશે.
(7) મે મહિનામાં ઍથ્લેટિક્સની ડાયમંડ લીગ રમાશે. એમાં ખાસ કરીને ભાલાફેંકમાં નીરજ ચોપડા ફરી એક વાર મેડલ જીતવા માટેની અગ્નિપરીક્ષા આપશે. યાદ રહે, 2025ની સાલમાં નીરજે કરીઅરમાં પહેલી વખત 90 મીટરની હદ પાર કરી હતી.
(8) મે મહિનામાં ટેનિસની ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયનશિપ રમાશે. જૂનમાં વિમ્બલ્ડન પણ રમાશે.
(9) 11મી જૂને અમેરિકા, કૅનેડા, મેક્સિકોમાં ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થશે જેમાં કુલ 48 દેશ ભાગ લેશે.

જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર
(1) જુલાઈમાં ભારતીય ક્રિકેટરો ઇંગ્લૅન્ડના લાંબા પ્રવાસે જશે.
(1) 23મી જુલાઈથી સ્કૉટલૅન્ડના ગ્લાસગૉમાં 74 દેશ વચ્ચેની કૉમનવેલ્થ ગેમ્સ રમાશે જેમાં ભારતીયોને ખાસ કરીને શૂટિંગ, રેસલિંગ, બૉક્સિંગ, વેઇટલિફ્ટિંગ અને ઍથ્લેટિક્સમાં મેડલ મળવાની આશા છે. આ એ રમતોત્સવ છે જે ચાર વર્ષ પછી (2030માં) અમદાવાદમાં યોજાવાનો હોવાથી 2026ની રમતો ભારતના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓમાં મોટું આકર્ષણ જમાવશે.
(2) 14મી ઑગસ્ટથી બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં મેન્સ અને વિમેન્સનો હૉકી વર્લ્ડ કપ રમાશે.
(3) 17મી ઑગસ્ટે દિલ્હીમાં બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાશે.
(4) 22મી ઑગસ્ટથી ભુવનેશ્વરમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ કૉન્ટિનેન્ટલ ટૂર ઇવેન્ટ યોજાશે
(5) 4-5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં ઍથ્લેટિક્સની ડાયમંડ લીગ ફાઇનલ્સ રમાશે.
(6) 19મી સપ્ટેમ્બરે જાપાનમાં એશિયન ગેમ્સ શરૂ થશે.
(7) ચેસ ઑલિમ્પિયાડ પણ સપ્ટેમ્બરમાં તાશ્કંદમાં યોજાશે જેની તારીખો હજી નક્કી નથી, પણ 2025ની આ સ્પર્ધામાં ભારતના પુરુષ અને મહિલા વર્ગના ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીત્યા હોવાથી 2026ની ઇવેન્ટ પણ ચેસપ્રેમીઓને ઘેલું લગાડશે.

ઑક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર
(1) 24મી ઑક્ટોબરે બહરીનમાં કુસ્તીની વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાશે.
(2) 27મી ઑક્ટોબરે ચીનમાં વેઇટલિફ્ટિંગની વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાશે.
(3) 1 નવેમ્બરે કતારના દોહામાં યોજાનારી શૂટિંગની ચૅમ્પિયનશિપ યોજાશે જેમાં ભારતીય નિશાનબાજોને ઑલિમ્પિક્સ માટેનો ક્વૉટા મેળવવાનો મોકો મળશે.
(4) ડિસેમ્બરમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ યોજાશે.
(5) નીરજ ચોપડાની ભાલાફેંકની એનસી ક્લાસિક ચૅમ્પિયનશિપ તેમ જ વર્લ્ડ બૉક્સિંગ કપ પણ 2026માં યોજાશે જેની તારીખો હવે પછી નક્કી થશે.
આ પણ વાંચો…વર્ષ 2025ઃ ભારતીય ક્રિકેટ માટે યાદગાર, ઍથ્લીટો માટે દમદાર…



