સ્પોર્ટસ

વર્ષ 2025ઃ ભારતીય ક્રિકેટ માટે યાદગાર, ઍથ્લીટો માટે દમદાર…

નવી દિલ્હીઃ ખેલકૂદ ક્ષેત્રે 2025નું વર્ષ ભારત માટે ધમાકેદાર રહ્યું. ભારત તથા ભારતના યુવા વર્ગ માટે દમદાર તથા પ્રેરક બની રહેલું આ વર્ષ હવે પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે એમાં ભારતીય ક્રિકેટમાં બની ગયેલી કેટલીક અસાધારણ ઘટનાઓ તેમ જ ઍથ્લેટિક્સ, ચેસ, બૅડમિન્ટન વગેરે રમતમાં ભારતીયોએ મેળવેલી સિદ્ધિઓ પર એક નજર કરી લઈએ. આ બનાવો યાદગાર છે અને ભારતીય રમતગમત ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ પણ કહી શકાય.

2025 ભારતીય સ્પોર્ટ્સ માટે પરિવર્તનનું વર્ષ ગણી શકાય, કારણકે એમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તથા રાષ્ટ્રીય સ્તરની ` ખેલ મહાકુંભ’ જેવી સ્પર્ધાઓમાં ઝળકેલા ઍથ્લીટો-ખેલાડીઓ આવનારા વર્ષોમાં ભારતને વિશ્વ સ્તરે મોટું ગૌરવ અપાવી શકે. ઉત્તરાખંડની નૅશનલ ગેમ્સમાં સર્વિસીઝના સ્પર્ધકો સૌથી વધુ 68 ગોલ્ડ મેડલ જીત્યા હતા, પરંતુ તેમના કુલ 121 ચંદ્રક સામે બીજા નંબરે મહારાષ્ટ્ર રાજ્યને 54 ગોલ્ડ મેડલ મળ્યા હતા અને આ રાજ્યના સ્પર્ધકો કુલ 201 ચંદ્રક પર કબજો કર્યો હતો.

2025ના વર્ષમાં ભારતે હૉકીનો એશિયા કપ જીતવાથી માંડીને મહિલાઓ માટેના બ્લાઇન્ડ વર્લ્ડ કપ સુધીની અપ્રતિમ સિદ્ધિઓ મેળવી હતી.

ક્રિકેટ હોય કે ઍથ્લેટિક્સ કે પછી ચેસ, ભારતીયોએ એકંદરે કેટલીક નિરાશાને બાદ કરતા મોટી ઉપલબ્ધિઓ 2025ના વર્ષમાં હાંસલ કરી હતી. 2025નું વર્ષ આ સિદ્ધિઓને લીધે ભારત માટે ઐતિહાસિક બની ગયું બની ગયું એવું કહીએ તો પણ ખોટું નથી. ખાસ કરીને ક્રિકેટમાં દુબઈ ભારત માટે શુકનવંતુ પુરવાર થયું. ભારતીય ખેલાડીઓ અને ઍથ્લીટોએ જે અચિવ કર્યું એની શરૂઆત દેશમાં ધર્મની જેમ પૂજાતી ક્રિકેટની રમતથી કરીએ…

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચૅમ્પિયન

માર્ચ, 2025માં ભારતે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. દુબઈમાં 23મી ફેબ્રુઆરીએ ભારતે 45 બૉલ અને છ વિકેટથી જીતીને દુશ્મન દેશ પાકિસ્તાનનું નાક કાપ્યું હતું. ફાઇનલમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને છ બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવ્યું હતું. ન્યૂ ઝીલૅન્ડે ડેરિલ મિચલ (63 રન) અને માઇકલ બ્રેસવેલ (53 અણનમ)ની હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 251 રન કર્યા હતા. વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

એક-એક વિકેટ મોહમ્મદ શમી તથા રવીન્દ્ર જાડેજાને મળી હતી. રોહિત (76 રન, 83 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) ઓપનિંગમાં ધમાકેદાર રમ્યો હતો અને શ્રેયસ ઐયર (48 રન, 62 બૉલ, બે સિક્સર, બે ફોર)એ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બૅટિંગમાં કે. એલ. રાહુલના અણનમ 34 ઉપરાંત ત્રણ ગુજરાતી પ્લેયર અક્ષર પટેલ (29 રન), હાર્દિક પંડ્યા (18 રન) અને રવીન્દ્ર જાડેજા (નવ અણનમ)નો પણ ઉપયોગી ફાળો હતો. ભારતે 49 ઓવરમાં 6/254ના સ્કોર સાથે 12 વર્ષે ટ્રોફી પર ફરી કબજો કર્યો હતો. નવાઈની વાત એ છે કે શમી અને શ્રેયસ હાલમાં ભારતીય ટીમમાં જગ્યા નથી મેળવી શકતા.

સાઉથ આફ્રિકા સામે ક્રિકેટમાં ભારત એક શ્રેણી હાર્યા પછી બે જીત્યું

2025નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે એક રીતે મિશ્ર રહ્યું. ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ 1-3થી હાર્યા બાદ ભારતીયો ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી જીત્યા હતા. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ભારતે 2-2થી ડ્રૉ કરાવી હતી. ભારતે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી ખાસ કરીને વિરાટ-રોહિતની મદદથી 2-1થી જીતી લીધી હતી. ઘરઆંગણે સાઉથ આફ્રિકાનો સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતનો 2-0થી રકાસ થયા બાદ ભારતે સાઉથ આફ્રિકાને વન-ડે શ્રેણીમાં 2-1થી અને ટી-20 શ્રેણીમાં 3-1થી હરાવીને બદલો લીધો હતો.

કૉમનવેલ્થનું યજમાનપદ મેળ્યું, હવે ઑલિમ્પિક્સનું પણ મળી શકે

2030માં 70 કરતાં વધુ દેશોની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે. ભારતને આ યજમાનપદ 2025ની સાલમાં મળ્યું અને હવે ટૂંક સમયમાં 2036ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ પણ ભારતને (અમદાવાદને) મળવાની સંભાવના છે.

હૉકીના એશિયા કપમાં ભારત વિજેતા

2025ની સાલમાં ભારતે મેન્સ હૉકી એશિયા કપમાં આઠ વર્ષના ઇન્તેજાર બાદ ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. એ વિજય સાથે ભારત 2026ના હૉકી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયું હતું. ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને (ખાસ કરીને દિલપ્રીત સિંહના બે ગોલની મદદથી) 4-1થી પરાજિત કરીને ટ્રોફી જીતી લીધી હતી. હૉંગ કૉંગ ઇન્ટરનૅશનલ સિક્સીસમાં પાકિસ્તાન સામે ભારતનો બે રનથી રોમાંચક વિજય થયો હતો.

મહિલા ક્રિકેટરો પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન

2025માં ભારતીય ક્રિકેટે સૌથી મોટી ઉપલબ્ધિ બીજી નવેમ્બરે માણી, જેમાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સી અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. ટીમને (આઇસીસી અને બીસીસીઆઇ તરફથી) કુલ મળીને આશરે 91 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

ટૂર્નામેન્ટની છેલ્લી કેટલીક મૅચોમાં ઈજાગ્રસ્ત મૂળ ઓપનર પ્રતીકા રાવલના સ્થાને શેફાલી વર્માને રમવા મળ્યું હતું અને રોમાંચક ફાઇનલમાં શેફાલીએ 87 રન, દીપ્તિ શર્માએ 58 રન, સ્મૃતિએ 45 રન તથા રિચા ઘોષે 34 રન કર્યા હતા અને ભારતે સાત વિકેટે 298 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટની સેન્ચુરી (101 રન) છતાં 246 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. ઑફ-સ્પિનર દીપ્તિ શર્માએ પાંચ વિકેટ અને બીજી ઑફ-સ્પિન સ્પેશ્યાલિસ્ટ શેફાલી વર્માએ બે વિકેટ લીધી હતી. સ્પિનર્સના જાદુઈ પર્ફોર્મન્સમાં શ્રી ચરની (એક વિકેટ) પણ જોડાઈ હતી. શેફાલીને ફાઇનલનો અને દીપ્તિને ટૂર્નામેન્ટનો સર્વોત્તમ પુરસ્કાર અપાયો હતો.

બ્લાઇન્ડ વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત વિજેતા

જોઈ ન શક્તી મહિલા ક્રિકેટરો માટે પહેલી જ વખત ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો અને એમાં અપરાજિત ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. દૃષ્ટિ ન ધરાવતા ક્રિકેટરો માટેની મૅચમાં બૉલ બેરિંગ્સથી ભરેલો પ્લાસ્ટિકનો બૉલ વપરાય છે કે જેથી કરીને બૉલની મૂવમેન્ટ વખતે થતા અવાજ પરથી ખેલાડી બૉલની દિશા પારખી શકે અને એને આધારે પર્ફોર્મ કરી શકે. દીપિકા ટી. સી.ની કૅપ્ટન્સીમાં ભારતીય મહિલા ટીમે આ વર્લ્ડ કપમાં લીગ સ્તરે શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, નેપાળ, અમેરિકા અને પાકિસ્તાનને હરાવીને તેમ જ સેમિ ફાઇનલમાં ફરી ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ફાઇનલમાં નેપાળ (20 ઓવરમાં 5/114) સામે ભારત (12.1 ઓવરમાં 3/117)નો સાત વિકેટે શાનદાર વિજય થયો હતો.

આરસીબીને પહેલી વાર મળ્યો આઇપીએલનો તાજ

રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ 18 વર્ષના ઇન્તેજાર બાદ 2025ની સાલમાં પહેલી વખત આઇપીએલની ટ્રોફી જીતી લીધી હતી. 2009, 2011 અને 2016માં આરસીબી રનર-અપ રહી હતી, પણ આ વખતે એણે રજત પાટીદારની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયનપદ મેળવી જ લીધું. ફાઇનલમાં આરસીબીએ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં રમનાર પંજાબ કિંગ્સની ટીમને પરાજિત કરી એ સાથે આરસીબીની છાવણીમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો, ટીમનો લેજન્ડ વિરાટ કોહલી ભાવુક થઈને રડી પડ્યો હતો અને ટીમે આ યાદગાર જીત ટીમના ભૂતપૂર્વ સુપરસ્ટાર એબી ડિવિલિયર્સને અર્પણ કરી હતી.

ચેસમાં દિવ્યા દેશમુખ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન

નાગપુરની 19 વર્ષીય ચેસ-સ્ટાર દિવ્યા દેશમુખે ફિડે વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની જ પીઢ ખેલાડી કૉનેરુ હમ્પીને હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું. આ સર્વોચ્ચ સ્પર્ધાની બન્ને ફાઇનલિસ્ટ ખેલાડી ભારતીય હતી અને એવું પહેલી જ વખત બન્યું હતું.

નીરજ ચોપડાએ ભાલો પહેલી વખત 90 મીટર દૂર ફેંક્યો

ભાલાફેંકમાં ભારતના ઑલિમ્પિક મેડલ-વિજેતા અને વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગમાં (કરીઅરમાં) પહેલી જ વખત ભાલો 90 મીટર દૂર ફેંકીને ભારત માટે જ્વેલિન થ્રોમાં નવો ઇતિહાસ સર્જ્યો હતો. નીરજે આ જ વર્ષની શરૂઆતમાં ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યાં હતાં.

તીરંદાજીમાં બન્ને હાથ વગર શીતલ દેવીએ મેળવી ઐતિહાસિક સિદ્ધિ

જમ્મુ-કાશ્મીરની 18 વર્ષીય શીતલ દેવી બન્ને હાથ વિના તીરંદાજીની કમ્પાઉન્ડ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા તીરંદાજ બની હતી. તેણે આ હરીફાઈમાં બન્ને પગની મદદ લીધી હતી અને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી.

પૅરા વર્લ્ડ ઍથ્લેટિક્સમાં ભારત જીત્યું બાવીસ મેડલ

સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં દિલ્હીમાં દિવ્યાંગો માટેની વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં ભારતીય ખેલાડીઓ અને ઍથ્લીટો કુલ મળીને છ ગોલ્ડ મેડલ સહિત કુલ બાવીસ ચંદ્રક જીત્યા હતા અને આ સ્પર્ધામાં ભારત 10મા સ્થાને રહ્યું હતું. પ્રથમ સ્થાને બ્રાઝિલે કુલ 44 ચંદ્રક મેળવ્યા હતા.

એશિયન યુથ ગેમ્સમાં ભારતીયો 48 મેડલ જીત્યા

બહરીનમાં આયોજિત એશિયન યુથ ગેમ્સમાં ભારતે પોતાનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવ્યો હતો. એમાં ભારતના ઍથ્લીટો અને ખેલાડીઓ કુલ મળીને 48 મેડલ જીત્યા હતા જેમાં 13 ગોલ્ડ, 18 સિલ્વર અને 17 બ્રૉન્ઝનો સમાવેશ હતો. દેશના તમામ ઍથ્લીટો-ખેલાડીઓની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરપૂર પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો…2026માં બીસીસીઆઇ સામે અગત્યના મુદ્દાઃ કૅપ્ટન્સીની ગૂંચવણ, ગૌતમ ગંભીરનું શું, કોહલી-રોહિતનું ભાવિ અને ત્રણ વર્લ્ડ કપ…

ખેલ ક્ષેત્રે ભારતની અન્ય મોટી સિદ્ધિઓઃ

(1) પુરુષો અને મહિલાઓના ખો-ખો વર્લ્ડ કપમાં ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.
(2) ઝારખંડનો અનિમેશ કુજુર ભારતનો ફાસ્ટેસ્ટ દોડવીર બન્યો હતો. તેણે 100 મીટરની દોડ 10.18 સેકન્ડમાં અને 200 મીટરની દોડ 20.32 સેકન્ડમાં પૂરી કરી હતી.
(3) ભારતીય મહિલાઓની આઇસ હૉકી ટીમ એશિયા કપમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
(4) દિવ્યાંગો માટેની ભાલાફેંકમાં સુમીત ઍન્ટિલ ચૅમ્પિયનશિપના વિક્રમ સાથે સતત ત્રીજી વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપ ગોલ્ડ જીત્યો હતો.
(5) પહેલી જ વખત વર્લ્ડ બૉક્સિંગ કપ સિરીઝ યોજાઈ જેમાં ભારતીય મુક્કાબાજો કુલ મળીને 40 મેડલ જીત્યા જેમાં 13 ગોલ્ડ સામેલ હતા.
(6) નિશાનબાજીના આઇએસએસએફ વર્લ્ડ કપમાં ભારતીયો કુલ 28 મેડલ જીત્યા જેમાં 11 ગોલ્ડ, નવ સિલ્વર અને આઠ બ્રૉન્ઝનો સમાવેશ હતો. ભારતીયો આ ઇવેન્ટમાં ચીન પછી બીજા નંબરે હતા.
(7) બૅડમિન્ટનમાં ભારતના ત્રણ ખેલાડી ટાઇટલ જીત્યાઃ ઑસ્ટ્રેલિયન ઓપનમાં લક્ષ્ય સેન, યુએસ ઓપનમાં આયુષ શેટ્ટી અને સૈયદ મોદી ઇન્ટરનૅશનલમાં ગાયત્રી/ટ્રિશાની જોડી ચૅમ્પિયન.
(8) બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપની ડબલ્સમાં સાત્વિક/ચિરાગની જોડીએ કાંસ્યચંદ્રક જીતી લીધો હતો.
(9) ટેબલ ટેનિસમાં દિયા-માનુષની જોડી ટ્યૂનિસ કન્ટેન્ડર ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સની ટ્રોફી જીતી હતી. લાગૉસ કન્ટેન્ડરમાં સાથિયા-આકાશે મેન્સ ડબલ્સમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.
(10) વેઇટલિફ્ટિંગમાં ભારતની મીરાબાઈ ચાનુ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 48 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button