સ્પોર્ટસ

રિષભ પંતને કેમ વન-ડે ટીમની કૅપ્ટન્સી નથી સોંપવામાં આવી?

મુંબઈઃ આગામી રવિવાર, 30મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણી માટેની ટીમના નેતૃત્વની જવાબદારી (ઈજાગ્રસ્ત શુભમન ગિલની ગેરહાજરીને કારણે) રિષભ પંતને કેમ નથી સોંપવામાં આવી અને કેમ તેને બદલે કે. એલ. રાહુલ પર કળશ ઢોળવામાં આવ્યો એ વિશે ભારતીય ક્રિકેટમાં ખૂબ ચર્ચા છે. બીજી નવાઈની વાત એ છે કે નવી ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે પણ પંત નહીં, પણ રાહુલ (KL RAHUL)ની ગણતરી કરવામાં આવી છે.

રિષભ પંતને ફરી વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ બીસીસીઆઇના એક અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં પંત એક જ વન-ડે રમ્યો હોવાથી તેને સુકાન નથી સોંપાયું. બીસીસીઆઇને ખાતરી છે કે ગિલની ગરદનની ઈજા થોડા દિવસમાં દૂર થઈ જશે અને જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી વન-ડે સિરીઝથી તેનું કમબૅક જોવા મળશે.’

આ પણ વાંચો : ગિલની ગેરહાજરીનો રાહુલ-તિલકને ફાયદોઃ શ્રેયસ, હાર્દિક, બુમરાહ કેમ ટીમમાં નથી?

રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં જ રમે છે અને તેમની હાજરીથી ટીમના યુવાન ખેલાડીઓને વધુ બળ મળશે. આ બે દિગ્ગજો નવ મહિને ઘરઆંગણે ફરી આંતરરાષ્ટ્રીય મૅચ રમતા જોવા મળશે. સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આઠ મહિને વન-ડે ટીમ (ODI TEAM)માં પુનરાગમન કર્યું છે.

વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં 1-0થી આગળ હોવાથી ભારત આ શ્રેણી હારી શકે એવી સંભાવના વચ્ચે તેમની જ સામેની વન-ડે સિરીઝ વધુ રોમાંચક બની રહેશે. જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ સિરાજને આરામ આપીને પેસ બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા અને નીતીશ કુમાર રેડ્ડી પર છોડવામાં આવી છે. સ્પિન વિભાગમાં જાડેજાને કુલદીપ તથા વૉશિંગ્ટન સુંદરનો સાથ મળી રહેશે. થોડા મહિનાઓથી સતત રમી રહેલા અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. જોકે વન-ડે શ્રેણી બાદ સાઉથ આફ્રિકા સામે જ રમાનારી ટી-20 સિરીઝમાં અક્ષર પુનરાગમન કરશે એવી સંભાવના છે.

આ પણ વાંચો : આવતી કાલથી ભારતની બીજી ટેસ્ટ: લંચ-બ્રેકની પહેલાં ટી-બ્રેક! બૅડ-લાઇટની સમસ્યા નડી શકે

બૅટિંગ લાઇન-અપ મજબૂત થઈ

હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયર ઈજામાંથી હજી પૂર્ણપણે મુક્ત નથી થયા એટલે તેમને વધુ આરામ અપાયો છે અને તેમની ગેરહાજરીમાં ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડીને તક મળી છે તેમ જ બૅટિંગ લાઇન-અપ મજબૂત કરવા માટે તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ તથા ધ્રુવ જુરેલને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યા છે.

ઋતુરાજ ગાયકવાડ બે વર્ષે ટીમમાં

છ વન-ડે રમી ચૂકેલા ઋતુરાજ ગાયકવાડને બે વર્ષે વન-ડે સ્ક્વૉડમાં પાછા આવવા મળ્યું છે. યશસ્વી જયસ્વાલ હજી એક જ વન-ડે રમ્યો છે અને તેને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં રમવાનો મોકો મળે તો નવાઈ નહીં.

ભારતીય ટીમમાં કોણ ક્યા રોલમાં:

કે. એલ. રાહુલ (કૅપ્ટન, વિકેટકીપર-બૅટ્સમૅન), રોહિત શર્મા (બૅટ્સમૅન), વિરાટ કોહલી (બૅટ્સમૅન), યશસ્વી જયસ્વાલ (બૅટ્સમૅન) તિલક વર્મા (બૅટ્સમૅન). ઋતુરાજ ગાયકવાડ (બૅટ્સમૅન), રિષભ પંત (વિકેટકીપર-બૅટ્સમૅન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર-બૅટ્સમૅન), રવીન્દ્ર જાડેજા (સ્પિન-ઑલરાઉન્ડર), વૉશિંગ્ટન સુંદર (સ્પિન-ઑલરાઉન્ડર), નીતીશ કુમાર રેડ્ડી (પેસ બોલિંગ-ઑલરાઉન્ડર), કુલદીપ યાદવ (સ્પિનર), હર્ષિત રાણા (પેસ બોલર), પ્રસિદ્ધ ક્રિષ્ના (પેસ બોલર) અને અર્શદીપ સિંહ (પેસ બોલર).

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button