વર્કલૉડની સમસ્યાઃ આ બે દિગ્ગજ ખેલાડી સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ કદાચ નહીં રમે…

ગુવાહાટીઃ ભારતની સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝ 26મી નવેમ્બરે પૂરી થશે અને ત્યાર બાદ રવિવાર, 30મી નવેમ્બરથી સાઉથ આફ્રિકનો વિરુદ્ધ ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા પીઢ ખેલાડીઓ મોટા ભાગે રમતા જોવા મળશે જ, પરંતુ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને જસપ્રીત બુમરાહ (Bumrah) એ શ્રેણીમાં કદાચ નહીં હોય એટલે અસંખ્ય ક્રિકેટપ્રેમીઓએ નિરાશ થવાનો સમય આવશે.
એવું મનાય છે કે હાર્દિક અને બુમરાહ વર્કલૉડ (Workload) મૅનેજમેન્ટના ભાગરૂપે આગામી વન-ડે શ્રેણી કરતાં ત્યાર બાદ રમાનારી સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં રમવા પર બધુ ધ્યાન આપી રહ્યા છે.

હાર્દિકને સપ્ટેમ્બરના એશિયા કપ દરમ્યાન પગમાં ઈજા થઈ હતી જેને લીધે તે પાકિસ્તાન સામેની ફાઇનલ નહોતો રમી શક્યો. ત્યારથી તે મેદાનથી દૂર રહ્યો છે. જોકે ત્યારથી અત્યાર સુધીના બે મહિનાના સમયગાળામાં ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેની તેની ઘણી સ્ટોરી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
હાર્દિક હજી પૂરી 50 ઓવરની મૅચ રમવા જેટલો ફિટ નથી થયો. કહેવાય છે કે તે પહેલાં તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા વતી રમીને ફિટનેસ પુરવાર કરવા માગશે. ત્યાર બાદ તે સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં રમશે.



