સ્પોર્ટસ

લંચ વખતે ભારતના બે વિકેટે 10 રન, હવે 124 રનનો લક્ષ્યાંક પણ મુશ્કેલ લાગી રહ્યો છે

કોલકાતા: આજે અહીં ત્રીજા દિવસે વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટ જીતવા માટે 124 રનનો નાનો લક્ષ્યાંક આપ્યા પછી ટીમ ઇન્ડિયા લંચ સુધીમાં 10 રનમાં બે વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

124 રનનો ટાર્ગેટ છે તો સાવ સાધારણ, પણ પેસ બોલરને સારા સ્વિંગ મળતા હોવાથી અને સ્પિનરને સારા ટર્ન અપાવતી ઈડન (Eden) ગાર્ડન્સની પિચ પર ભારતીય બેટ્સમેનોએ જીતવા માટે કપરી કસોટી આપવી પડશે. કેપ્ટન ગિલ ગરદનની ગંભીર ઈજાને કારણે બૅટિંગ નહીં કરી શકે. એ જોતાં કાર્યવાહક સુકાની રિષભ પંત અને સૌથી સિનિયર ખેલાડી રવીન્દ્ર જાડેજા પર મોટો બોજ આવી ગયો છે.

યશસ્વી જયસ્વાલ બીજા દાવના ચોથા જ બૉલ પર કૅચઆઉટ થયો હતો. ફાસ્ટ બોલર માર્કો યેનસેનના ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલને અડવા જતાં તે વિકેટકીપર કાઇલ વેરાઇનને આસાન કૅચ આપી બેઠો હતો. કે. એલ. રાહુલે પણ એક રન કર્યા બાદ યેનસેનના બૉલ પર વિકેટકીપરને કૅચ આપી દીધો હતો. સુંદર અને જુરેલ ક્રીઝમાં હતા. વધુ વિકેટ પડશે તો 124 રનનો ટાર્ગેટ મેળવવો મુશ્કેલ બની જશે.

સાઉથ આફ્રિકા (South Africa)ની ટીમ બીજા દાવમાં 153 રન પર આઉટ થઈ હતી. જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. કુલદીપ-સિરાજે બે-બે તથા બુમરાહ-અક્ષરે એક-એક વિકેટ લીધી હતી.

કેપ્ટન ટેમ્બા બવુમા 55 રને અણનમ રહ્યો હતો. તેની અને કોર્બીન બોશ્ચ (25 run) વચ્ચે 79 બૉલમાં બનેલી 44 રનની ભાગીદારી ભારતને ભારે પડી રહી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button