India – South Africa 2nd WOMEN’S ODI: મંધાના અને હરમનપ્રીતની ધમાકેદાર સેન્ચુરી, ભારતીય ટીમનો દમદાર નવો વિક્રમ
બેન્ગલૂરુ: ભારતની મહિલા ટીમે અહીં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે જીતી લીધા પછી બીજી વન-ડેમાં બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં ત્રણ વિકેટે વિક્રમજનક 325 રન ખડકી દીધા હતા. સ્મૃતિ મંધાના (136 રન, 120 બૉલ, બે સિક્સર, અઢાર ફોર)એ સતત બીજી મૅચમાં સેન્ચુરી ફટકારી હતી, જ્યારે કૅપ્ટન હરમનપ્રીત કૌર (103 અણનમ, 88 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) પણ કરીઅરની છઠ્ઠી વન-ડે સદી સાથે ચમકી ગઈ હતી.
સ્ટાઇલિશ બૅટર સ્મૃતિ મંધાનાએ કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી.
મંધાના અને હરમનપ્રીત વચ્ચે ત્રીજી વિકેટ માટે 171 રનની ભાગીદારી થઈ હતી.
ભારતીય ટીમે પહેલી જ વાર ઘરઆંગણે વન-ડેમાં 300 રનનો આંકડો નોંધાવ્યો છે. આ પહેલાં હોમ-ગ્રાઉન્ડ પર મહિલાઓની ટીમ ઇન્ડિયાનો 298/2નો સ્કોર હાઇએસ્ટ હતો જે તેમણે 2004માં ધનબાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે નોંધાવ્યો હતો.
સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી ત્યાર બાદ શરૂઆતમાં તો તેનો એ નિર્ણય યોગ્ય લાગ્યો હતો, કારણકે મહેમાન ટીમની ફાસ્ટ બોલર્સ આયાબૉન્ગા ખાકા અને મસાબાતા ક્લાસને બેન્ગલૂરુની પિચ પર સારા બાઉન્સ અને મૂવમેન્ટ મળ્યા હતા. 12મી ઓવરમાં ઓપનર શેફાલી વર્મા (20 રન)એ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મંધાના અને દયાલન હેમલતા (24 રન) વચ્ચે 62 રનની ભાગીદારીએ ભારતીય ટીમને મૅચ પર પકડ અપાવી હતી અને પછી તો મંધાના-હરમનપ્રીતે સાઉથ આફ્રિકન ટીમની આશા પર પાણી ફેરવવાનું શરૂ કરી દીધું હતું. મંધાના છેક 46મી ઓવરમાં આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર 271-પ્લસ થઈ ગયો હતો અને તેના ગયા પછી હરમનપ્રીત તથા વિકેટકીપર રિચા ઘોષ (પચીસ અણનમ) વચ્ચે 54 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
સાઉથ આફ્રિકા વતી નૉન્ડુમિસો ઍમ્લાબાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. મસાબાતાને 67 રનમાં એક જ વિકેટ મળી હતી.
ભારતે ત્રણ દિવસ પહેલાં પ્રથમ મૅચ જીતીને સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી હતી.