લખનઊઃ અહીંના ઈકાના સ્પોર્ટસ સિટી સ્ડેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આઈસીસી વન-ડે વર્લ્ડ કપની 29મી મેચમાં ભારત ટોસ હાર્યું હતું, જેમાં હ્યુમિડિટી વધારે હોવાથી હાઈ શોટ મારવામાં ડ્રીમ ઈલેવનના પ્રત્યેક બેટર નિષ્ફળ રહેતા ભારત મર્યાદિત સ્કોર સુધી રહ્યું હતું. ભારતીય ટીમ પૂરી પચાસ ઓવર રમીને નવ વિકેટે 229 રન બનાવ્યા હતા, જેમાં ભારત સામે જીતવા ઇંગ્લેન્ડને 230 રન કરવાના રહેશે.
પીચના રિપોર્ટ પ્રમાણે ટોસ જીતીને ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં પ્રારંભમાં ચાર વિકેટ સાવ સસ્તામાં પડી હતી. હીટમેન તરીકે જાણીતા સુકાની રોહિત શર્માએ શરુઆતમાં સ્ફોટક બેટિંગ કરી હતી, પરંતુ છેલ્લે આક્રમકતા ગુમાવતા સદી ચૂક્યો હતો. ડેવિડ વિલીની પહેલી ઓવર મેડન રહ્યા પછી ત્રીજી ઓવરમાં રોહિત શર્માએ વિલીની ઓવરમાં બે સિક્સર અને એક ચોગ્ગો માર્યો હતો, જેમાં છેલ્લા બોલની સિક્સર પર રિતિકા અને રિવાબા ઝૂમી ઊઠયાં હતાં.
મજાની વાત હતી કે રોહિત શર્માએ પુલ શોટ માર્યો ત્યારે સ્ટેન્ડમાં બેઠેલા રિવાબા અને રિતિકા ઝૂમી ઊઠ્યા હતા. રોહિત શર્માએ 101 બોલમાં 87 રને આઉટ થયો હતો, જ્યારે મિડલ ઓર્ડરમાં આવેલા સૂર્ય કુમાર યાદવે 47 બોલમાં એક સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 49 રન માર્યા હતા. રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી (ઝીરો રન), શુભમન ગિલ (13 બોલમાં નવ), શ્રેયસ અય્યર (16 બોલમાં ચાર) આઉટ થઈને સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ કેએલ રાહુલે 58 બોલમાં 39 રન માર્યા હતા.
વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. તેણે આ મેચમાં નવ બોલનો સામનો કર્યો પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ડેવિડ વિલિએ તેને બેન સ્ટોક્સના હાથે કેચ કરાવ્યો હતો. આ પહેલીવાર બન્યું હતું, જ્યારે વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપ મેચમાં શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો, પરંતુ આ મેચમાં તેણે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. ભારત તરફથી રમતા વિરાટ 34મી વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. તે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.
ટીમ ઈન્ડિયાએ શરુઆતથી નબળી ઈનિંગ રમવાનું શરુ કર્યું હતું, જેમાં પહેલી વિકેટ શુભમન ગિલના સ્વરુપે 26 રને પડી હતી, જ્યારે ઝીરો રને વિરાટ કોહલી આઉટ થતા બીજી વિકેટ 27 રને પડી હતી. 40 રને અય્યરની ચોથી વિકેટ પડી હતી, ત્યારબાદ કેએલ રાહુલ અને રોહિતની જોડીએ ભારતને સવાસો રન પાર કરાવ્યા હતા, પરંતુ 131 રનના સ્કોરે ભારતે ચોથી અને 164 રનના સ્કોરે પાંચમી વિકેટ (રોહિત શર્મા) પડી હતી.
રવિન્દ્ર જાડેજાની છઠ્ઠી વિકેટ 182 અને સાતમી વિકેટ મહોમમ્દ શામીની 183 રને પડી હતી, જ્યારે આઠમી વિકેટ સૂર્ય કુમારની 208 રને પડી હતી. સૂર્ય કુમારે 47 બોલમાં 49 રન માર્યા હતા. નવમી વિકેટની ભાગીદારીમાં બુમરાહ અને કુલદીપ યાદવે પચાસ ઓવર પૂરી કરવા મથ્યા હતા, જેમાં બુમરાહ પચાસમી ઓવરના છેલ્લા બોલમાં જોસ બટલરે રન આઉટ કર્યો હતો. બુમરાહ 25 બોલમાં 16 રન કર્યા હતા, જ્યારે કુલદીપે નવ રને અણનમ રહ્યો હતો.
ઇંગ્લેન્ડ વતીથી ડેવિડ વિલિ (ત્રણ વિકેટ), ક્રિસ વોકસ (2) અને આદિલ રશિદે (2) વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે માર્ક વૂડે એક વિકેટ લીધી હતી. એક મેડન ઓવર નાખવા છતાં લિયામ લિવિંગ્સ્ટોને એકંદર ખર્ચાળ બોલર (ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા) સાબિત થયો હતો.