સ્પોર્ટસ

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને જીતવા 254 રનનો લક્ષ્યાંક

બેનોની: અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 253 રન બનાવીને ભારતને 254 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતે ત્રીજી જ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. કચ્છી પેસ બોલર રાજ લિંબાણીએ ફાઇનલની એ પહેલી વિકેટ લીધી હતી, પરંતુ પછીથી કૅપ્ટન હ્યુ વિબ્ગેન અને ઓપનર હૅરી ડિક્સન વચ્ચેની 78 રનની ભાગીદારીએ ઑસ્ટ્રેલિયન ટીમને સ્થિરતા અપાવી હતી. પેસ બોલર નમન તિવારીએ ઉપરાઉપરી બે આંચકા આપતા એક સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 99 રન હતો અને એ તબક્કે ભારતીય બોલરોને મૅચ પરની પકડ વધુ મજબૂત કરવાની તક હતી, પણ કેટલીક સાધારણ ભાગીદારીઓએ ભારતની હરીફ ટીમના સ્કોરને અઢીસોને પાર પહોંચાડી દીધો હતો. વર્લ્ડ કપની ફાઇનલમાં અઢીસો આસપાસનો લક્ષ્યાંક મુશ્કેલ મનાય છે.

ઑસ્ટ્રેલિયાના બૅટર્સમાં ભારતીય મૂળના હરજાસ સિંહના પંચાવન રન હાઈએસ્ટ હતા. તેણે 64 બૉલની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. કૅપ્ટન હ્યુ વિબ્ગેને 48 રન બનાવ્યા હતા અને છઠ્ઠા નંબરે રમવા આવીને છેક સુધી ભારતીય બોલર્સને હંફાવનાર ઑલિવર પીક 46 રને અણનમ રહ્યો હતો.

કચ્છી બોલર રાજ લિંબાણીએ પૂરી 10 ઓવર બોલિંગ કરી હતી અને 38 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. નમન તિવારીએ 63 રનમાં બે અને સૌમ્ય પાન્ડેએ 42 રનમાં તેમ જ મુશીર ખાને 46 રનમાં એક વિકેટ લીધી હતી.

હવે ભારતની બૅટિંગ લાઇન-અપની કસોટી છે. ખાસ કરીને કૅપ્ટન ઉદય સહારન, સચિન ધાસ અને ઓપનર અર્શિન કુલકર્ણી તેમ જ મુશીર ખાન પર વધુ મદાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker