IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પ્રવેશવું એટલું સરળ નહીં હોય, આ છે કારણો…

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2023 જીતવાના પ્રબળ દાવેદારોમાં ટીમ ઈન્ડિયાનું નામ ટોપ પર છે અને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં સતત પાંચ મેચ જીતીને પોતાનો આ દાવો વધુ મજબુત કરી દીધો છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામે મેળવેલી શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં એકદમ ટોપ પર પહોંચી ગઈ છે.

વર્લ્ડકપની અત્યાર સુધી રમાયેલી એક પણ મેચમાં કોઈ પણ ટીમ ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. આ જ કારણ છે કે ભારતીય ટીમને આ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે ભારતીય ટીમ સરળતાથી નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જશે એવું લાગી રહ્યું છે, એટલું જ નહીં પણ ઈન્ડિયન ક્રિકેટપ્રેમીઓ પણ એવું માની રહ્યા છે કે હવે તો ભારત ખૂબ જ સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. હજી પણ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટપ્રેમીઓનું વર્લ્ડકપ જીતવાનું સપનું ચકનાચૂર થઇ શકે છે.


અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાએ સારી લીડ લીધી હોવા છતાં પણ એમના માટે સેમિફાઈનલમાં એન્ટ્રી લેવું એટલું સરળ નહીં હોય. આ પહેલાંના વર્લ્ડકપની વાત કરીએ તો એ વખતે પણ ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં હતી, પરંતુ સેમિફાઇનલમાં મળેલી હારથી ભારતીય ટીમનું વર્લ્ડકપ જીતવાનું સપનું અધૂરું રહી ગયું હતું. આ વખતે પણ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થવાનો રસ્તો સરળ તો નહીં જ હોય.


ટુર્નામેન્ટની પ્રથમ 5 મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે થવાનો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવનાર ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ જીતવાના રસ્તામાં આવતાં સૌથી મોટા અવરોધ સમાન છે.


અત્રે ઉલ્લેખનીય છે કે 29મી ઓક્ટોબરે લખનઊના સ્ટેડિયમમાં ટીમ ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયા સામસામે આવશે. ઈંગ્લેન્ડ સામેની આ મેચ ભારત માટે એટલા માટે પણ પડકારરૂપ છે, કારણ કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે જ ભારતને સેમીફાઈનલમાંથી બહાર કરી દીધું હતું અને એની સાથે સાથે જ ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયા તેની ઈજાને કારણે મેચ રમી શકશે નહીં.


ઈંગ્લેન્ડ પછી બીજી નવેમ્બરના ભારતની શ્રીલંકા સામે રમશે. આમ તો શ્રીલંકા સામે ભારતનું પ્રદર્શન છેલ્લાં કેટલાક સમયથી શાનદાર રહ્યું છે. પરંતુ 2007ના વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમ વર્લ્ડકપમાં ઈન્ડિયન ટીમની સફરનો અંત લાવવામાં નિમિત્ત બની હતી.


શ્રીલંકા બાદ ભારત 5મી નવેમ્બરના દક્ષિણ આફ્રિકા સામે રમશે અને આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો અને બોલરો જે રીતે રમી રહ્યા છે તે જોતાં આ ટીમ ઈન્ડિયા માટે તેઓ માથાનો દુખાવો સાબિત થાય તો નવાઈ નહીં લાગે. ત્યાર બાદમાં ભારત તેની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે રમશે. આ બધા કારણો અને પડકારોને જોતા સેમીફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવવા માટે ભારતીય ક્રિકેટરોએ આ ચારેય મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button