
એજબૅસ્ટન: ઇંગ્લૅન્ડ સામે સિરીઝની બીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઈવ)માં ભારતીય ટીમે કુલ 1,014 રન (10/587 રન અને 6/427 ડિક્લેર્ડ) બનાવ્યા અને ભારતે 93 વર્ષના પોતાના ટેસ્ટ ઈતિહાસમાં કોઈ એક ટેસ્ટમાં 1,000 રન કર્યા હોય એવું પહેલી જ વખત બન્યું છે.
આ પહેલાં એક ટેસ્ટ (Test)માં ભારત (India)ના વધુમાં વધુ 916 રન (7/705 ડિક્લેર્ડ અને 2/211 ડિક્લેર્ડ) સિડનીમાં 2004માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યા હતા. એ મૅચમાં પહેલા દાવમાં સચિને અણનમ 241 રન અને લક્ષ્મણે 178 રન કર્યાં હતા.
કોઈ એક ટીમે એક ટેસ્ટમાં સૌથી વધુ રન કર્યાં હોય એવા સ્કોર્સની રેકૉર્ડ બુકમાં ભારત ચોથા સ્થાને આવી ગયું છે: (1) ઇંગ્લૅન્ડના કુલ 1,121 રન, વેસ્ટ ઇન્ડિઝ સામે 1930માં, કિંગસ્ટનમાં (2) પાકિસ્તાનના કુલ 1,078 રન, ભારત સામે 2006માં, ફૈસલાબાદમાં (3) ઑસ્ટ્રેલિયાના કુલ 1,028 રન, ઇંગ્લૅન્ડ સામે 1934માં, ઓવલમાં (4) ભારતના કુલ 1,014 રન, ઇંગ્લૅન્ડ સામે 2025માં, એજબૅસ્ટનમાં (5) ઑસ્ટ્રેલિયાના કુલ 1,013 રન, વેસ્ટ ઇન્ડિઝ સામે 1969માં, સિડનીમાં.
ઇંગ્લેન્ડને 536 રનની અને ભારતને સાત વિકેટની જરૂર
આજે બીજી ટેસ્ટનો નિર્ણાયક દિવસ છે અને એમાં ઇંગ્લૅન્ડે (England) 608 રનના વિક્રમજનક લક્ષ્યાંક સુધી પહોંચવા બીજા 536 રન કરવાના છે, જયારે ભારતે ફક્ત સાત વિકેટ લેવાની બાકી છે. આ વિજય સાથે નવો ટેસ્ટ સુકાની શુભમન ગિલ વિજેતા કેપ્ટન તરીકેનું ખાતું ખોલાવશે.
શનિવારની ચોથા દિવસની રમતને અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર 3/72 હતો. હૅરી બ્રુક 15 રને અને ઑલી પૉપ 24 રને રમી રહ્યા હતા. ત્રણમાંથી બે વિકેટ આકાશ દીપે અને એક વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી.
શુભમન ગિલ આ મૅચનો સુપરસ્ટાર ખેલાડી છે. તેણે પહેલા દાવમાં 269 રન અને બીજા દાવમાં 161 રન કર્યાં હતા.
આ પણ વાંચો…29 વર્ષે ફરી ભારતીય બોલર્સના હાથે છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ!