યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે | મુંબઈ સમાચાર

યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે

કરાચીઃ બહુચર્ચિત મેન્સ ટી-20 એશિયા કપ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રમાશે એની બે દિવસ પહેલાં જાહેરાત થઈ ગઈ ત્યાર બાદ હવે એની તારીખો જાહેર કરવામાં આવી છે અને આ રસાકસીભરી ટૂર્નામેન્ટનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધા આગામી 9-28 સપ્ટેમ્બર (9-28 September) દરમ્યાન યોજાશે અને એમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એક કે બે નહીં, પણ ત્રણ-ત્રણ વખત ટક્કર થઈ શકે એવી સંભાવના છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તેમ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન મોહસિન નકવીએ શનિવારે એશિયા કપની તારીખ વિશેની સત્તાવાર જાહેરાત ` એક્સ’ પર કરી હતી.

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં યુએઇમાં જામશે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ટક્કર

પુરુષોના ટી-20 ફૉર્મેટવાળા એશિયા કપનું મુખ્ય યજમાન ભારત છે. જોકે 2027ની સાલ સુધી એકબીજા સામે માત્ર તટસ્થ સ્થળે જ મૅચ રમવા વિશે ભારત (INDIA) અને પાકિસ્તાન (PAKISTAN) સંમત થયા હોવાથી એશિયા કપ યુએઇમાં યોજવાનું નક્કી કરાયું છે જેની જાહેરાત 24મી જુલાઈએ કરવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ બ્રૉડકાસ્ટર્સ સાથે એસીસીની એવી સમજૂતી થઈ છે જેમાં ભારત-પાકિસ્તાનને આ સ્પર્ધામાં એક જ ગ્રૂપમાં રાખવામાં આવશે. એમાં બન્ને દેશ વચ્ચે ગ્રૂપ-મૅચ રમાવા ઉપરાંત સુપર-સિક્સ રાઉન્ડમાં પણ તેમની વચ્ચે ટક્કર થઈ શકે. એ ઉપરાંત, જો બન્ને ટીમ ફાઇનલમાં પહોંચશે તો તેમની વચ્ચેનો એ ત્રીજો મુકાબલો કહેવાશે.

આ પણ વાંચો: એશિયા કપ 2025 ની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ, ભારત-પાક.ની મેચ ક્યારે યોજાશે?

હવે પછીનો ટી-20 વર્લ્ડ કપ ભારત-શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે અને એ બાબતને ધ્યાનમાં રાખીને એશિયા કપ માટે ટી-20 ફૉર્મેટ નકકી કરવામાં આવ્યું છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button