હૅન્ડશેક નહીં અને દલીલબાજી પણ નહીં, પરંતુ એક્સાઇટમેન્ટ અનલિમિટેડ
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જંગઃ ફરી એક વિજય પહલગામના શહીદોને સમર્પિત કરવાની ટીમ ઇન્ડિયાને તક

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જંગઃ ફરી એક વિજય પહલગામના શહીદોને સમર્પિત કરવાની ટીમ ઇન્ડિયાને તક ભારતની રવિવાર, 21મી સપ્ટેમ્બરે (રાત્રે 8.00 વાગ્યાથી) અહીં એશિયા કપના સુપર-ફોર રાઉન્ડમાં દુશ્મન-દેશ પાકિસ્તાન સાથે એક ટક્કર થશે જેમાં જો ભારત જીતશે તો પાકિસ્તાન પરનું પ્રભુત્વ વધુ મજબૂત થશે અને પાકિસ્તાન જીતશે તો આ ટૂર્નામેન્ટમાં હિસાબ 1-1થી બરાબરીમાં થઈ જશે. ગયા રવિવારની મૅચમાં ભારતના સુકાની સૂર્યકુમાર યાદવે ટૉસ વખતે પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું અને મૅચ પછી પણ પાકિસ્તાનીઓને અવગણ્યા હતા એને પગલે મોટો ` હૅન્ડશેક વિવાદ’ થયો હતો જે આ વખતે રીપિટ તો કદાચ નહીં થાય, પણ બીજા કોઈ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) નાટક કરે તો નવાઈ નહીં.
એક વાત નક્કી છે કે સૂર્યકુમાર કે ભારતીય ટીમનો બીજો કોઈ પણ ખેલાડી રવિવારે પણ પાકિસ્તાની સાથે હાથ નહીં મિલાવે. બીજું, ગયા રવિવારના મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટ જ આ વખતની મૅચ માટે નિયુક્ત થયા છે.
આ પણ વાંચો: જંગ જબરદસ્તઃ ભારત રવિવારે પાકિસ્તાન સામેનો મુકાબલો જીતવા માટે ફેવરિટ
ગયા રવિવારની જેમ આ રવિવારના મુકાબલામાં પણ પાકિસ્તાનના કોઈ ખેલાડી સાથે મેદાન પર કોઈ પણ પ્રકારની દલીલમાં ઊતરવું નહીં એવી સૂચના હેડ-કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાને આપી જ દીધી હશે. જે કંઈ હોય, આ મૅચમાં પણ ક્રિકેટ જગતની આ સૌથી મોટી બે કટ્ટર ટીમ વચ્ચે રસાકસી થશે અને કરોડો પ્રેક્ષકોને રોમાંચક પળો માણવા મળશે. જોકે પાકિસ્તાન સામે રમવું જ ન જોઈએ એવા દેશપ્રેમની ભાવનાવાળો અભિગમ અપનાવનારા પણ ભારતમાં અસંખ્ય લોકો છે એટલે તેમના માટે આ મુકાબલો પણ નગણ્ય બનશે.
પહલગામમાં હિન્દુ સહેલાણીઓની હત્યા કરવા માટે આતંકવાદીઓને મોકલનાર દુશ્મન-દેશ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને અઠવાડિયામાં બીજી વાર હરાવીને આ વિજય પણ પહલગામના શહીદોને સમર્પિત કરવાનો સૂર્યકુમાર યાદવ અને તેની ટૅલન્ટેડ ટીમને મોકો છે. અક્ષર પટેલને શુક્રવારે ઓમાન સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન માથામાં ઈજા થઈ હતી. જો તે પાકિસ્તાન (Pakistan) સામે રમશે તો ભારત (India)ની સ્પિન-ત્રિપુટી (કુલદીપ, વરુણ, અક્ષર) ફરી એક વખત પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની જશે.
ટી-20માં ભારત 11-3થી આગળ
ટી-20 ઇન્ટરનૅશનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 મૅચ રમાઈ છે અને એમાં ભારત 11-3થી આગળ છે. ભારતના આ અગિયાર વિજયમાં 2007ના વર્લ્ડ કપની પહેલી જ મૅચમાં ટાઈ બાદ બૉલ-આઉટમાં જીતેલી મૅચનો પણ સમાવેશ છે.
આ પણ વાંચો: IND vs PAK મેચમાં અડધું સ્ટેડીયમ ખાલી રહેશે! આ કારણે નથી વેચાઈ રહી ટિકિટો
સૅમસન અને હાર્દિકને મોટી સિદ્ધિનો મોકો
વિકેટકીપર સંજુ સૅમસન બહુ સારા ફૉર્મમાં છે અને તે રવિવારે 83 રન કરશે એટલે ટી-20 ઇન્ટરનૅશનલમાં 1,000 રન પૂરા કરનાર 12મો ભારતીય ખેલાડી બની જશે. હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેનો સૌથી સફળ ભારતીય બોલર છે અને તે જો ચાર વિકેટ લેશે તો ટી-20માં તે 100 વિકેટની વિરલ સિદ્ધિ મેળવશે.
આ પણ વાંચો : સૂર્યકુમારે બૅટિંગ કરવાનું ટાળીને ઠીક કર્યું હતું? ગાવસકર કહે છે કે…
બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ/હર્ષિત રાણા/અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાનઃ સલમાન આગા (કૅપ્ટન), મોહમ્મદ હારિસ (વિકેટકીપર), સાહિબઝાદા ફરહાન, સઇમ અયુબ, ફખર ઝમાન, હસન નવાઝ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબ્રાર અહમદ.



