14મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો

દુબઈઃ યુએઇમાં આગામી 9-28 સપ્ટેમ્બર દરમ્યાન ટી-20નો જે એશિયા કપ (Asia cup) રમાવાનો છે એમાં સૌથી ચર્ચાસ્પદ અને આયોજકોને સૌથી વધુ કમાણી કરાવી આપતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વૉલ્ટેજ મૅચ 14મી સપ્ટેમ્બરે દુબઈ (Dubai)માં રમાશે. રવિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરનો મુકાબલો લીગ રાઉન્ડનો હશે. ગ્રૂપ-એમાં આ બે દેશ ઉપરાંત યજમાન યુએઇ અને ઓમાનનો પણ સમાવેશ છે. ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હૉન્ગ કૉન્ગ છે.
આપણ વાંચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો
બન્ને ગ્રૂપની ટોચની બે-બે ટીમ સુપર-ફોરમાં પહોંચશે. એમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે (21મી સપ્ટેમ્બરે) ટક્કર થઈ શકે. સુપર-ફોર રાઉન્ડની સૌથી સારી બે ટીમ 28મી સપ્ટેમ્બરની ફાઇનલમાં જશે એટલે એમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજી ટક્કર થઈ શકે.
પહલગામ પરના ઘાતક આતંકવાદી હુમલાને પગલે ભારતના સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં તબાહી મચાવી એને પગલે હવે પાકિસ્તાન સામે ક્રિકેટ મૅચ રમવાની જે તૈયારીઓ થઈ રહી છે એ સામે ભારતમાં વિરોધ થઈ રહ્યો છે.
આપણ વાંચો: ભારતે પાકિસ્તાન સામે રમવાની ના પાડી એટલે ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીને મરચાં લાગ્યા!
તાજેતરમાં ભારતે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)માં પાકિસ્તાન સામેની બે મૅચનો બહિષ્કાર કર્યો તો પછી હવે દુબઈમાં શા માટે દુશ્મનદેશના મુખ્ય ક્રિકેટરો સામે રમવાની તૈયારી થઈ રહી છે? એવો સવાલ ભારતમાં અનેક ક્રિકેટપ્રેમીઓ પૂછી રહ્યા છે.
નિવૃત્ત ખેલાડીઓની જેમ પાકિસ્તાનની મુખ્ય ક્રિકેટ ટીમ સામેની મૅચોનો પણ બહિષ્કાર કરવાની માગણી ભારતમાં થઈ રહી છે.
એશિયા કપની મુખ્ય ચાર મૅચની વિગત આ મુજબ છેઃ (1) બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા, 13મી સપ્ટેમ્બર, અબુ ધાબી (2) ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 14મી સપ્ટેમ્બર, દુબઈ (3) બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન, 16મી સપ્ટેમ્બર, અબુ ધાબી (4) શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન, 18મી સપ્ટેમ્બર, અબુ ધાબી.