મહિલા ક્રિકેટર્સમાં રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ શકે
દામ્બુલા: અહીં શ્રીલંકાના ક્રિકેટ-ક્રેઝી શહેરમાં રમાઈ રહેલા મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ટક્કર થઈ ચૂકી છે અને હવે બન્ને વચ્ચે બીજો મુકાબલો થવાની સંભાવના છે. બન્ને કટ્ટર દેશની ટીમ અલગ-અલગ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જો ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ પોતાની સેમિ ફાઇનલ જીતશે તો રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) તેઓ ફરી સામસામે આવી જશે.
આ પણ વાંચો: રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે (શુક્રવારે) હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં ભારતે નિદા દરના સુકાનમાં રમેલી પાકિસ્તાનને 108 રનમાં આઉટ કર્યા પછી 14.1 ઓવરમાં ત્રણ વિકેટે 112 રન બનાવીને સાત વિકેટના માર્જિનથી મૅચ જીતી લીધી હતી.
ભારતીય ટીમ મંગળવારે શેફાલી વર્માના 81 રન અને દીપ્તિ શર્માની ત્રણ વિકેટના તરખાટની મદદથી નેપાળને 82 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતની સેમિ ફાઇનલ શુક્રવાર, 26મી જુલાઈએ (બપોરે 2.00 વાગ્યાથી) રમાશે. સેમિમાં ભારતની હરીફ ટીમ (શ્રીલંકા કે બંગલાદેશમાંથી) કઈ હશે એ નક્કી ન હોવાથી સમીકરણ હજી બન્યું નહોતું. જોકે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ કોઈ પણ હરીફને પહોંચી વળવા સક્ષમ છે. અગાઉની તમામ સાત એશિયા કપ સ્પર્ધા ભારતે જીતી લીધી હતી.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?
પાકિસ્તાને મંગળવારે યુએઇને 10 વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જોકે બુધવારે બંગલાદેશે મલેશિયાને હરાવ્યું હોવાથી બંગલાદેશનો સેમિ ફાઇનલ પ્રવેશ નક્કી થઈ ગયો હતો, પરંતુ શ્રીલંકા અને થાઇલૅન્ડની મૅચનું પરિણામ બાકી હોવાથી સેમિ ફાઇનલ લાઇન-અપ બનવાની બાકી હતી.