રવિવારે ભારત-પાકિસ્તાન મુકાબલાની સંભાવના, બીજી ટ્રોફીનો પણ વિવાદ થઈ શકે

દોહા: સપ્ટેમ્બરના એશિયા કપની ટ્રોફીના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં હવે બીજી એશિયા કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનો વિવાદ જાગી શકે એમ છે.

કતારના પાટનગર દોહામાં એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્સ નામની ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પહોંચી ગયા છે. જોકે આ બે ટીમ વચ્ચે ફાઈનલ રમાવાની સંભાવના છે એટલે આ ફાઇનલમાં પણ જો ભારત જીતશે તો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નક્વીના હાથે ફરી એક વાર ટ્રોફી ન સ્વીકારવાનો વિવાદ જાગી શકે.
ઈરફાન ખાનના સુકાન હેઠળની પાકિસ્તાન શાહીન્સ ટીમ ત્રણ દિવસ પહેલાં જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી, જ્યારે ઇન્ડિયા-એ ટીમે મંગળવારે ઓમાનને 6 વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
હવે આજે રાત્રે અફઘાનિસ્તાન-એ અને હોંગ કોંગ વચ્ચે તેમ જ શ્રીલંકા તથા બાંગ્લાદેશ વચ્ચે મૅચ રમાવાની છે. આ બે મૅચમાંથી બીજા બે સેમિ ફાઇનલિસ્ટ દેશ નક્કી થશે. એ જોતાં સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ (India A) અને પાકિસ્તાન શાહીન્સ સામે કોણ રમશે એ દેશના નામ આજની મૅચોના પરિણામ પરથી નક્કી થશે.
ફરી ખરાખરીનો જંગ જામી શકે
જો ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પોતપોતાની સેમિ ફાઈનલ (Semi Final) જીતીને ફાઇનલમાં સામસામે આવશે તો ફરી એકવાર ખરાખરીનો જંગ જામશે.
સપ્ટેમ્બરમાં નકવીએ ભારતના હકની ટ્રોફી ગુમ કરી નાખી
28મી સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપનું ચેમ્પિયનપદ મેળવી લીધું હતું. જોકે મોહસિન નકવી (Naqvi)એ ત્યારે ભારતના હકની ટ્રોફી ગુમ કરી નાખી હતી અને નકવીની આડોડાઈને કારણે ભારતને હજી પણ એ ટ્રોફી મળી નથી.

ઇન્ડિયા-એ કેવી રીતે સેમ ફાઇનલમાં પહોંચ્યું
મંગળવારે ઓમાને ઇન્ડિયા-એ સામે 20 ઓવરમાં સાત વિકેટે 135 રન કર્યા હતા. એમાં વાસીમ અલીના 54 રન હાઈએસ્ટ હતા. ઇન્ડિયા-એના સ્પિનર સુયશ શર્માએ 12 રનમાં બે વિકેટ અને પેસ બોલર ગુર્જપનીત સિંહે 37 રનમાં બે વિકેટ લીધી હતી.
જિતેશ શર્માની કેપ્ટન્સીમાં ઇન્ડિયા-એ ટીમે 17.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 138 રન કરીને વિજય મેળવી લીધો હતો. હર્ષ દુબે 53 રન કરીને અણનમ રહ્યો હતો. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ફક્ત 12 રન કરીને આઉટ થઈ ગયો હતો, જ્યારે નમન ધીરે 30 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની જીતમાં નેહલ વઢેરાનો પણ 23 રનનો ફાળો હતો.
આપણ વાંચો: ટ્રાઈ સિરીઝની પહેલી મેચમાં પાકિસ્તાન માંડ બચ્યું! બાબર આઝમ ફરી ‘ઝીરો’ પર આઉટ…



