સરકારની લીલી ઝંડી છતાં ભારત-પાકિસ્તાન મૅચના ક્યા મુદ્દે વિરોધ થયો?
બૅટિંગ-લેજન્ડ વીરેન્દર સેહવાગની પણ થઈ ટીકા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આગામી નવમી સપ્ટેમ્બરે યુએઈમાં શરૂ થતા ટી-20 એશિયા કપમાં પાકિસ્તાન સામેની 14મી સપ્ટેમ્બરની મૅચ રમવા ભારતીય ટીમને મંજૂરી આપી છે છતાં આ મુકાબલાને લગતી જે પ્રમોશનલ ઍડ બહાર પાડવામાં આવી એ સામે ભારતમાંથી સોશ્યલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે.
આ વિરોધ બીસીસીઆઈ અને સોની ચેનલ સામેનો છે તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગની પણ ટીકા થઈ રહી છે. ટીઝરમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વચ્ચેનો મેદાન પરનો મુકાબલો તેમ જ બન્ને દેશ વચ્ચેની ટક્કરનો વીરેન્દર સેહવાગ દ્વારા પ્રચાર, આ બન્ને મુદ્દા પર સોશ્યલ મીડિયામાં કેટલાક વર્ગો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારત એશિયા કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરે એ સંભવ છે? બૉયકૉટ કેમ ન થઈ શકે?
આ વર્ગના લોકો પાકિસ્તાન સામેની મૅચનો બહિષ્કાર કરવાની માગણી કરી રહ્યા છે.
ભારત એશિયા કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે આઇસીસી તેમ જ ઑલિમ્પિક ચાર્ટરના અમુક નિયમોને અનુસરીને બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં પાકિસ્તાન સામે રમવું જ પડે એમ છતાં મીડિયામાં કેટલાક વર્ગના લોકો એશિયા કપનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી રહ્યા છે.
આ જ વર્ગના લોકો 14મી સપ્ટેમ્બરના મુકાબલાનો અને એશિયા કપનો પ્રચાર કરવા બદલ સેહવાગની ટીકા કરી રહ્યા છે.
સેહવાગે જાહેરખબરમાં કહ્યું છે, ‘ હાલમાં ભારતીય ટીમ ટી-20માં ટોચ પર છે. આ ફોર્મેટમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન છીએ અને એશિયા કપમાં પણ આપણે સર્વશ્રેષ્ઠ છીએ. આપણી ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહુ સારા ફૉર્મમાં છે. તેના સુકાનમાં અગાઉ આપણે ઘણી ટી-20 મૅચ જીત્યા છીએ. આ બધું જોતાં આપણે જ એશિયા કપ જીતીશું એવી મને ખાતરી છે.’