ભારત-પાકિસ્તાન સેમિ ફાઇનલ કે ફાઇનલમાં સામસામે આવશે તો? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારત-પાકિસ્તાન સેમિ ફાઇનલ કે ફાઇનલમાં સામસામે આવશે તો?

બર્મિંગમઃ ભારત અને પાકિસ્તાનના પીઢ ક્રિકેટરો વચ્ચે આજે ભારતીય સમય મુજબ રાત્રે 9.00 વાગ્યાથી બર્મિંગમમાં ટી-20 ફૉર્મેટની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની જે મૅચ રમાવાની હતી એ છેલ્લી ઘડીએ રદ તો કરી દેવામાં આવી, પરંતુ આગામી 31મી જુલાઈથી બીજી ઑગસ્ટ સુધીમાં આ સ્પર્ધાની જે બે સેમિ ફાઇનલ રમાશે એમાંની જ કોઈ એક સેમિમાં આ જ બે દેશ સામસામે આવશે તો શું નિર્ણય લેવાશે એની ક્રિકેટ વર્તુળમાં ચર્ચા છે.

31મી જુલાઈએ પ્રથમ સેમિ ફાઇનલ અને એ જ દિવસે બીજી સેમિ ફાઇનલ રમાશે. બીજી ઑગસ્ટની ફાઇનલ પણ બર્મિંગમમાં રાખવામાં આવી છે.

જો બેમાંથી કોઈ એક સેમિ ફાઇનલ (SEMI FINAL)માં ભારત-પાકિસ્તાન સામસામે આવશે તો ફાઇનલમાં તેઓ આમનેસામને આવવાનો પ્રશ્ન જ નહીં રહે, પણ આ સેમિ ફાઇનલ રમાશે કે કેમ એ ચર્ચાનો વિષય છે. જોકે તેઓ અલગ-અલગ સેમિમાં પહોંચશે તો ફાઇનલમાં મુકાબલો થવાની શક્યતા રહેશે અને એ ફાઇનલ (FINAL) રમાશે કે કેમ એ આવનારો સમય જ બતાવશે.

આપણ વાંચો: વેસ્ટ ઇન્ડિઝને સુવર્ણકાળ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ્સને મળી સૌથી મોંઘી ગોલ્ડન જર્સી

2024ની પ્રથમ ડબ્લ્યૂસીએલની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે આ બે દેશને લીગ રાઉન્ડમાં આમનેસામને લાવવામાં આવ્યા, પરંતુ સોશિયલ મીડિયામાં આ મુકાબલામાં ભાગ લેવા તૈયાર થવા બદલ ભારતીય ખેલાડીઓની ભારત-તરફી ક્રિકેટ ચાહકોએ ખૂબ ટીકા કરી હતી.

શિખર ધવન અને હરભજન સિંહ સહિતના ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામેની આ મૅચ ન રમવા નિર્ણય જાહેર કર્યો તેમ જ એક જાણીતા સ્પૉન્સરે પણ આ મૅચનો બહિષ્કાર જાહેર કર્યો એટલે આયોજકોએ આ મૅચ રદ કરવી પડી છે.

આપણ વાંચો: ભારતના લેજન્ડ્સ બે મૅચ જીત્યા પછી પાકિસ્તાન સામે હારી ગયા

ધવને મે મહિનામાં જ ના પાડી હતી

એપ્રિલમાં કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓના જીવલેણ હુમલાને પગલે મે મહિનામાં ભારતના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો જેમાં અસંખ્ય આતંકવાદીઓ હણાયા હતા અને ભારતના હવાઈ હુમલામાં પાકિસ્તાનના હવાઈ મથકો નેસ્તનાબૂદ થઈ ગયા હતા.

શિખર ધવને પહલગામ પરના હુમલા પછી ડબ્લ્યૂસીએલના આયોજકોને કહી દીધું હતું કે ભારતની જો પાકિસ્તાન વિરુદ્ધ મૅચ રાખવામાં આવશે તો તે નહીં રમે. શનિવારે પણ ધવને આયોજકોને કહ્યું હતું કે પાકિસ્તાન સામે ન રમવાનો તેનો નિર્ણય અફર છે.

એમ છતાં આયોજકોએ મૅચની તૈયારી આગળ વધારી હતી અને જ્યારે હરભજન તેમ જ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ પાકિસ્તાન સામેની મૅચમાં ન રમવાનો નિર્ણય જણાવ્યો એટલે છેવટે મૅચ રદ કરાઈ હતી. યુવરાજ સિંહ આ ટૂર્નામેન્ટમાં ભારતનો કૅપ્ટન છે અને ટીમમાં સુરેશ રૈના, રૉબિન ઉથપ્પા, વરુણ આરૉન વગેરેનો સમાવેશ છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાનના `ચૅમ્પિયનો’ રવિવારે આમનેસામને

હૉકી, વૉલીબૉલ મૅચને આધારે ક્રિકેટ મૅચ પણ રાખી

ડબ્લ્યૂસીએલના આયોજકોએ ભારતીય પીઢ ખેલાડીઓ તેમ જ ક્રિકેટપ્રેમીઓની માફી માગતા જણાવ્યું છે કે ` વર્તમાન પરિસ્થિતિ અમારાથી કોઈ પણ પ્રકારના ઇરાદા વગર નિર્માણ થઈ છે અને એ બદલ અમે દિલગીર (APOLOGISED) છીએ. જો કોઈના પણ દિલને ઠેસ પહોંચી હોય તો અમે એ માટે માફી માગીએ છીએ.

અમે આશા રાખીએ છીએ કે લોકો અમારી ભાવના સમજશે. અમે ક્રિકેટપ્રેમીઓમાં થોડી ખુશી લાવવાના હેતુથી જ ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મૅચ રાખી હતી. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક વૉલીબૉલ મૅચ રમાઈ હતી અને ભારતમાં યોજાનારી હૉકીની આગામી સ્પર્ધામાં રમવા માટે પાકિસ્તાનની ટીમને ભારત આવવા પરવાનગી મળી છે.

આ બધું જોઈને અમને થયું કે બન્ને દેશ વચ્ચે ક્રિકેટ મૅચ પણ રમાય તો લોકોને ગમશે એટલે અમે ડબ્લ્યૂસીએલમાં એમની વચ્ચે મુકાબલો રાખ્યો હતો. જોકે અમે આ મૅચ હવે રદ કરી છે.’

ભારતમાં ચાર સ્પર્ધાઃ પાકિસ્તાન રમશે

આગામી ઑગસ્ટ-ડિસેમ્બર દરમ્યાન ભારતમાં કેટલીક રમતોની સ્પર્ધા રમાવાની છે જેમાં ભાગ લેવા માટે ભારત સરકારે પાકિસ્તાનને પરવાનગી આપી છે.

જો આ સ્પર્ધાઓ ઑલિમ્પિક ચાર્ટરના 44મા નંબરના નિયમ મુજબ રમાતી હોય છે એટલે યજમાન દેશે કોઈ પણ દુશ્મન દેશના ઍથ્લીટો-ખેલાડીઓને પણ પોતાને ત્યાં રમવા દેવાની છૂટ આપવી પડે. એ સંજોગોમાં ભારતે આ ચાર સ્પર્ધામાં પાકિસ્તાનને ભાગ લેવાની મંજૂરી આપી છેઃ

ઑગસ્ટમાં હૉકી એશિયા કપ, સપ્ટેમ્બરમાં જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ, ઑકટોબરમાં વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ અને નવેમ્બર-ડિસેમ્બરમાં જુનિયર હૉકી વર્લ્ડ કપ.

જોકે ક્રિકેટની ડબ્લ્યૂસીએલ પ્રાઇવેટ ટૂર્નામેન્ટ છે એટલે એમાં ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય લઈ શકે.

અજય દેવગન સહ-માલિક છે

ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડના નેજા હેઠળ રમાતી ડબ્લ્યૂસીએલનો સહ-માલિક બૉલિવૂડ-સ્ટાર અજય દેવગન છે. આ સ્પર્ધા 18મી જુલાઈએ શરૂ થઈ ચૂકી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button