ભારત-પાકિસ્તાનના `ચૅમ્પિયનો' રવિવારે આમનેસામને | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનના `ચૅમ્પિયનો’ રવિવારે આમનેસામને

એજબૅસ્ટનમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની મૅચમાં બન્ને કટ્ટર દેશની ટીમ વચ્ચે જોરદાર રસાકસી થશે

એજબૅસ્ટનઃ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અહીં તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બીજી ટેસ્ટ જીતીને આ સ્થળે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પોતાની અનેરી છાપ છોડી ગયા ત્યાર બાદ હવે આ જ મેદાન પર ભારતના લેજન્ડ્સ (LEGENDS) તેમ જ નિવૃત્ત ક્રિકેટરોની ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમનો રવિવાર, 20મી જુલાઈએ (રાત્રે 9.00 વાગ્યાથી) પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે મુકાબલો થશે. યુવરાજ સિંહ (YUVRAJ SINGH) ભારતીય ટીમનો અને મોહમ્મદ હાફિઝ પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન છે. આ મૅચ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ના બૅનર હેઠળ રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ટૂંકુ યુદ્ધ થયું (જેમાં પાકિસ્તાને ત્રણ જ દિવસમાં પછડાટ ખાધી હતી) ત્યાર પછી બન્ને દેશના ક્રિકેટરો વચ્ચે રમાનારી રવિવારની મૅચ પર સમગ્ર ક્રિકેટજગતનું ધ્યાન રહેશે.

શુક્રવાર, 18મી જુલાઈએ છ દેશની ટીમ વચ્ચેની આ સ્પર્ધા શરૂ થઈ ચૂકી છે. 16 દિવસની આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી ટીમોમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ, પાકિસ્તાન ચૅમ્પિયન્સ, ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન્સ, ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ, વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સ અને સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સ ટીમનો સમાવેશ છે.

આ પણ વાંચો: વેસ્ટ ઇન્ડિઝને સુવર્ણકાળ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ્સને મળી સૌથી મોંઘી ગોલ્ડન જર્સી

2024માં ડબ્લ્યૂસીએલની પ્રથમ સીઝન ભારતે જીતી લીધી હતી. એજબૅસ્ટનની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

શુક્રવાર, 18મી જુલાઈએ ડબ્લ્યૂસીએલની બીજી સીઝનની પ્રથમ મૅચમાં પાકિસ્તાને (20 ઓવરમાં 9/160) ઇંગ્લૅન્ડ (20 ઓવરમાં 3/155)ને પાંચ રનથી હરાવ્યું હતું.

https://twitter.com/WclLeague/status/1945474786634629382

ભારત-પાકિસ્તાન ટીમમાં કોણ-કોણ છે

આ વખતની ડબ્લ્યૂસીએલ માટેની ભારતીય ટીમમાં કૅપ્ટન યુવરાજ સિંહ ઉપરાંત શિખર ધવન, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, રૉબિન ઉથપ્પા, સૌરભ તિવારી, આર. પી. સિંહ, પીયૂષ ચાવલા, હરભજન સિંહ, નમન ઓઝા, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ આરૉન, અભિમન્યુ મિથુન, સિદ્ધાર્થ કૌલ, ગુરકીરત સિંહ, વિનય કુમાર, રાહુલ શર્મા, રાહુલ શુક્લા, ધવલ કુલકર્ણી, પવન નેગી અને અનુરીત સિંહનો સમાવેશ છે.

આ પણ વાંચો: સ્પોર્ટ્સમૅન : માર્ગ વિકટ ખરો, પણ વિક્ટરી શક્ય છે

પાકિસ્તાનની ટીમમાં સુકાની મોહમ્મદ હફીઝ ઉપરાંત શોએબ મલિક, શાહિદ આફ્રિદી, મિસબાહ-ઉલ-હક, કામરાન અકમલ, અબ્દુલ રઝાક, સોહેબ મકસૂદ, શરઝીલ ખાન, વહાબ રિયાઝ, સોહેલ તનવીર, સોહેલ ખાન, આમિર યામિન, આસિફ અલી અને સઈદ અજમલ સામેલ છે.

ભારતની મૅચો ક્યારે, કોની સામે

(1) રવિવાર, 20મી જુલાઈ (રાત્રે 9.00 વાગ્યાથી) પાકિસ્તાન સામે
(2) મંગળવાર, 22મી જુલાઈ (રાત્રે 9.00 વાગ્યાથી) સાઉથ આફ્રિકા સામે
(3) શનિવાર, 26મી જુલાઈ (સાંજે 5.00 વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા સામે
(4) રવિવાર, 27મી જુલાઈ (રાત્રે 9.00 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ સામે
(5) મંગળવાર, 29મી જુલાઈ (રાત્રે 9.00 વાગ્યાથી) વેસ્ટ ઇન્ડિઝ સામે.

કયા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)માં ભારત અને પાકિસ્તાન ઉપરાંતની બાકીની ચાર ટીમ વતી જે જાણીતા ખેલાડીઓ રમી રહ્યા છે એમાં બ્રેટ લી, ટિમ પેઇન, પીટર સીડલ, ડર્ક નૅનીસ, નૅથન કૉલ્ટર-નાઇલ, મોઇઝીઝ હેન્રિકેસ, ડૅન ક્રિશ્ચિયન, શૉન માર્શ, આરૉન ફિન્ચ, કેવિન પીટરસન, ઓઇન મૉર્ગન, ઍલસ્ટર કૂક, સમિત પટેલ, રવિ બોપારા, ટિમ બ્રેસનન, મોઇન અલી, રાયન સાઇડબૉટમ, લિઆમ પ્લન્કેટ, હર્શેલ ગિબ્સ, એબી ડિવિલિયર્સ, હાશિમ અમલા, જેપી ડુમિની, જૅક કૅલિસ, રાયન મૅકલારેન, ઍલ્બી મૉર્કલ, ડેલ સ્ટેન, ઇમરાન તાહિર, વેઇન પાર્નેલ તેમ જ ક્રિસ ગેઇલ, શિવનારાયણ ચંદરપૉલ, ડવેઇન બ્રાવો, ડવેઇન સ્મિથ, કીરૉન પોલાર્ડ, ડૅરેન સૅમી, ફિડેલ એડવર્ડ્સ વગેરેનો સમાવેશ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button