સ્પોર્ટસ

હૉકીમાં ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં, ચેન્નઈ-મદુરાઈમાં સલામતીનો મુદ્દો ચર્ચાસ્પદ થઈ શકે

લૉઝેન (સ્વિટ્ઝરલૅન્ડ): પુરુષોની હૉકીનો જુનિયર વર્લ્ડ કપ આગામી 28મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી તામિલનાડુના ચેન્નઈ અને મદુરાઈ શહેરમાં યોજાશે અને એ સ્પર્ધામાં ભાગ લેનાર 24 દેશની ટીમોને વિવિધ ગ્રૂપમાં વહેંચવા માટેનો કાર્યક્રમ અહીં શનિવારે હૉકી (Hockey)ની વિશ્વસંસ્થા (એફઆઇએચ)ના વડા મથક ખાતે યોજાયો હતો જેમાં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ને એક જ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા હતા.

ભારત આ જુનિયર (Junior) હૉકી સ્પર્ધાનું યજમાન છે, જ્યારે ભારત માટે પાકિસ્તાન એક નંબરનો દુશ્મન-દેશ છે એ જોતાં બન્ને દેશ વચ્ચેનો હૉકીનો મુકાબલો અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બનશે.

પાકિસ્તાનની મૅચો ચેન્નઈ અને મદુરાઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ ભારતમાં પ્રવેશશે ત્યારે તેમની વિરુદ્ધ પ્રચંડ દેખાવો થશે એમાં કોઈ શંકા નથી. એ જોતાં દુશ્મન દેશની ટીમની સલામતીનો મુદ્દો અગ્રસ્થાને રહેશે.

આપણ વાંચો: હૉકી ખેલાડીઓને મળશે મહિને 25,000 રૂપિયાનું ભથ્થુંઃ કેન્દ્ર સરકારનો નિર્ણય…

ગયા મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ભારતે પાકિસ્તાનમાં ઊભા કરવામાં આવેલા આતંકવાદી મથકો ઉડાવી દીધા હતા તેમ જ પાકિસ્તાનના હવાઈ દળના મથકોને પણ ભારે નુકસાન કર્યું હતું. ભારતના જોરદાર આક્રમણ સામે પાકિસ્તાને ઘૂટણિયા ટેકવ્યા હતા અને ત્રણ જ દિવસમાં યુદ્ધવિરામ માટેની કાકલૂદી ભારત સમક્ષ કરી હતી.

પહલગામ પરના આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના સશસ્ત્ર દળોએ ` ઑપરેશન સિંદૂર’ હેઠળ આ અસરદાર અને દમદાર કાર્યવાહી કરી હતી. જોકે પાકિસ્તાન હજી પણ ભારત-વિરોધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે એ જોતાં નવેમ્બર-ડિસેમ્બરની હૉકી સ્પર્ધાની ભારત-પાકિસ્તાન મૅચ સતતપણે ચર્ચામાં રહેશે.

પુરુષોની હૉકીમાં પહેલી જ વખત 24 દેશની ટીમ ભાગ લેશે. ભારત-પાકિસ્તાનવાળા ગ્રૂપ ( Group B)માં ચિલી અને સ્વિટઝરલૅન્ડ પણ છે. જર્મની હાલમાં જુનિયર હૉકી વર્લ્ડ ચૅમ્પિયન છે. 2023માં જર્મનીએ ફાઇનલમાં ફ્રાન્સને 2-1થી હરાવ્યું હતું.

આપણ વાંચો: વાનખેડેની ટી-20 લીગમાં અને નેધરલૅન્ડ્સની હૉકી મૅચ વખતે વિમાન હોનારતના મૃતકોને અંજલિ

કયા ગ્રૂપમાં કયા દેશની ટીમ

પૂલ ` એ’: જર્મની, સાઉથ આફ્રિકા, કૅનેડા, આયરલૅન્ડ

પૂલ ` બી’: ભારત, પાકિસ્તાન, ચિલી, સ્વિટઝરલૅન્ડ

પૂલ ` સી’: આર્જેન્ટિના, ન્યૂ ઝીલૅન્ડ, જાપાન, ચીન

પૂલ ` ડી’: સ્પેન, બેલ્જિયમ, ઇજિપ્ત, નામિબિયા

પૂલ ` ઇ’: નેધરલૅન્ડ્સ, મલયેશિયા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રિયા

પૂલ ` એફ’: ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, કોરિયા, બાંગ્લાદેશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button