ICC વન-ડે રેન્કિંગમાં ભારત છવાયુંઃ ટોપ-ટેનમાં ભારતના ત્રણ બેટ્સમેન, ગિલ બીજા ક્રમે
દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્ધારા જાહેર કરવામાં આવેલા નવા વન-ડે રેન્કિંગમાં ભારતના ત્રણ પ્લેયરને સ્થાન મળતા ભારત છવાઈ ગયું છે. એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને આ દરમિયાન સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓએ આઈસીસી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. એશિયા કપમાં બે અડધી સદી સાથે 154 રન બનાવનાર શુભમન ગિલ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બીજા રેન્કિંગ પર પહોંચી ગયો છે. તે આવનારા સમયમાં વન-ડેમાં બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર આવી શકે છે.
મેન્સ વન-ડે રેન્કિંગમાં ટોચના 10માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટોપ 10માં અન્ય બે ભારતીય કેપ્ટન રોહિત શર્મા (આઠમું રેન્કિંગ) અને વિરાટ કોહલી (નવમું રેન્કિંગ) છે. જાન્યુઆરી 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે ત્રણ ભારતીય બેટ્સમેન વન-ડે રેન્કિંગમાં ટોચના 10માં સામેલ છે. ચાર વર્ષ પહેલા રોહિત, કોહલી અને શિખર ધવન ટોપ 10માં ત્રણ બેટ્સમેન હતા.
ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી અને એશિયા કપ મેચમાં પાકિસ્તાન સામે 58 રનની ઇનિંગ રમી હતી. તેને એક સ્થાનનો ફાયદો થયો જ્યારે રોહિત અને વિરાટ કોહલીએ બે-બે સ્થાનની છલાંગ લગાવી છે.
ટોપ પર રહેલા બાબર આઝમના 863 પોઈન્ટ છે જ્યારે ગિલ 759 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ બે-બે સ્થાનનો ફાયદો થયો છે અને બંને દિગ્ગજ ટોચના 10 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયા છે. કોહલી આઠમા અને રોહિત નવમા સ્થાને છે. હાલમાં ટોચના 10 બેટ્સમેનોમાં પાકિસ્તાનના પણ ત્રણ ખેલાડી છે, ઇમામ-ઉલ-હક પાંચમા સ્થાને અને ફખર ઝમાન 10મા સ્થાને આવી ગયો છે.
ભારતના અનુભવી સ્પિનર કુલદીપ યાદવને વન-ડેમાં બોલરોના રેન્કિંગમાં ફાયદો થયો છે. એશિયા કપમાં તેણે નવ વિકેટ લીધી છે અને પાંચ સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.