
નવી દિલ્હી/ઢાકાઃ આગામી સપ્ટેમ્બરનો ટી-20 ફૉર્મેટનો એશિયા કપ યોજવાનો ભારત (INDIA)ને અધિકાર છે અને આ ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રાખવા બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સહમત થયું છે. આ સ્પર્ધામાં ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે અને એ ક્રિકેટ-ક્રેઝી શહેરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એક કરતાં વધુ મુકાબલા થવાની પાકી સંભાવના છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની ગુરુવારની મીટિંગમાં તમામ પચીસ મેમ્બર-રાષ્ટ્રોના ટોચના અધિકારીઓએ (પ્રત્યક્ષ અથવા વર્ચ્યૂઅલી) હાજરી આપી હતી. ભારત વતી બીસીસીઆઇ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ આ બેઠકમાં વર્ચ્યૂઅલી હાજરી આપી હતી.
આ પણ વાંચો: એશિયા કપ 2025 ની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ, ભારત-પાક.ની મેચ ક્યારે યોજાશે?
ભારત અને પાકિસ્તાન (PAKISTAN)ને એક જ ગ્રૂપમાં રાખવામાં આવશે એવી સંભાવના છે. આ સ્પર્ધા સપ્ટેમ્બરમાં અંતિમ અઠવાડિયા પહેલાં પૂરી થઈ જશે, કારણકે એ અરસામાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને પગલે એશિયા કપ યોજાશે કે કેમ એ વિશે અટકળો થતી હતી. જોકે હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે એ યુએઇમાં યોજાશે.
બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ છે. ખાસ કરીને ઢાકા અને અન્ય ભાગોમાં લોકોમાં હિન્દુ-વિરોધી અભિગમ છે. ભારતે એસીસી સમક્ષ પહેલાં જ શરત મૂકી હતી કે જો એશિયા કપ ઢાકામાં રમાવાનો હોય તો ભારત તરફથી કોઈ પણ અધિકારી મીટિંગમાં જ નહીં આવે. જોકે એ ઢાકામાં નહીં યોજાય એવી ભારતને આડકતરી ખાતરી મળી હતી.