ભારત-પાકિસ્તાન મૅચ વિશે યુએઇના ક્રિકેટ બોર્ડનું ચોંકાવનારું નિવેદન, ` 100 ટકા ગૅરન્ટી તો કોઈ ન આપી શકે’

દુબઈઃ કાશ્મીરના પહલગામમાં હિન્દુ સહેલાણીઓ પરના આતંકવાદીઓના જીવલેણ હુમલા પછી ભારતે ટૂંકા યુદ્ધમાં પાકિસ્તાનને કચડી નાખ્યું ત્યાર બાદ હવે બન્ને દેશ વચ્ચે ક્રિકેટના રણમેદાન પર જંગ થવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આયોજક યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ક્રિકેટ બોર્ડનું એક નિવેદન સૌને વિચારતા કરી મૂકનારું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી સપ્ટેમ્બરે ટી-20 એશિયા કપ (ASIA CUP)ની લીગ મૅચ તો રમાવાની જ છે, સુપર-ફોર રાઉન્ડમાં બન્ને દેશ વચ્ચે 21મી સપ્ટેમ્બરે મુકાબલો થઈ શકે એમ છે. ત્યાર બાદ બન્ને ટીમ ફાઇનલમાં પહોંચશે તો 28મી સપ્ટેમ્બરે તેઓ ફરી સામસામે આવશે. આમ, એક જ ટૂર્નામેન્ટમાં ત્રણ-ત્રણ હાઈ-વૉલ્ટેજ મુકાબલા થઈ શકે એમ છે. ભારત એશિયા કપનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને મુખ્ય યજમાન પણ છે. જોકે ભારત-પાકિસ્તાન (India-Pakistan) ક્રિકેટ બોર્ડ વચ્ચેની સમજૂતી મુજબ આ સ્પર્ધા યુએઇના તટસ્થ સ્થળે રાખવામાં આવી છે.
આ પણ વાંચો: સરકારની લીલી ઝંડી છતાં ભારત-પાકિસ્તાન મૅચના ક્યા મુદ્દે વિરોધ થયો?
યુએઇ ક્રિકેટ બોર્ડના મુખ્ય સંચાલન અધિકારી સુભાન અહમદે (Subhan Ahmed) કહ્યું છે કે ` ટૂર્નામેન્ટની તૈયારી પૂરજોશમાં થઈ રહી છે. એશિયા કપ માટે દરેક ક્રિકેટ બોર્ડે પોતપોતાની સરકારની મંજૂરી મેળવી લીધી છે. એમ છતાં કોઈ 100 ટકા ગૅરન્ટી ન આપી શકે. અમને આશા છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમશે જ. આ મુકાબલાનો બહિષ્કાર કરાશે એવી કોઈ જ ધમકી અમને નથી મળી. ફૅન્સ હંમેશાં ક્રિકેટ અને રાજકારણને અલગ રાખવામાં માને છે. આ વખતે પણ અમને આવી જ અપેક્ષા છે.’
સુભાન અહમદે ક્રિકેટપ્રેમીઓને મૅચોની ટિકિટો ઑનલાઇન મેળવતી વખતે કોઈ છેતરપિંડીનો શિકાર ન થઈ જવાય એની ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. તેમણે સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટો ખરીદવા કહ્યું છે. તેમણે જણાવ્યું છે, ` આવનારા દિવસોમાં યોગ્ય કિંમતે ટિકિટોનું વેચાણ શરૂ થઈ જશે. હજી ટિકિટોનું સત્તાવાર વેચાણ શરૂ નથી થયું એટલે જે પણ લોકો ટિકિટોના વેચાણનો દાવો કરી રહ્યા છે તેઓ બનાવટી છે.’