ટીમ ઇન્ડિયાને આજે પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો
સતત 12મી મૅચ પણ જીતાશે?: સાંજે 7.30થી બીજો મુકાબલો, અભિષેક અને સૂર્યાએ પણ ઝળકવું પડશે
કેબેહાઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) વરસાદની નજીવી સંભાવના વચ્ચે ચાર મૅચવાળી સિરીઝનો બીજો મુકાબલો થશે જેમાં જીતીને ભારત લાગલગાટ 12 ટી-20 મૅચ જીતવાના પોતાના જ ત્રણ વર્ષ જૂના વિશ્વ વિક્રમની બરાબરી કરી શકશે.
તાજેતરના ટી-20 વર્લ્ડ કપના ચેમ્પિયનપદ બાદ ભારત સતત 11 ટી-20 મૅચ જીત્યું છે. એમાં શુક્રવારના સાઉથ આફ્રિકા સામેના સિરીઝના પ્રથમ વિજયનો પણ સમાવેશ છે. એ પહેલાં, ભારત આ વર્ષના જુલાઈ-ઓક્ટોબર દરમ્યાન બાંગ્લાદેશ સામે ત્રણ, શ્રીલંકા સામે ત્રણ અને ઝિમ્બાબ્વે સામે ચાર ટી-20 મૅચ જીત્યું હતું.
ભારતે અત્યાર સુધીના આ એકધારા 11 વિજય શુભમન ગિલ અને સૂર્યકુમારની કેપ્ટન્સીમાં મેળવ્યા છે.
બીજી ખાસ વાત એ છે કે 2024ના વર્ષમાં ભારત 23 ટી-20 મૅચ રમ્યું છે જેમાંથી 22 જીત્યું છે. એકમાત્ર પરાજય (જૂનના વર્લ્ડ કપ વિજય બાદ) ઝિમ્બાબ્વે સામે શ્રેણીની પ્રથમ મૅચમાં થયો હતો. જોકે ત્યાર બાદ ભારતે એ સિરીઝ 4-1થી જીતી લીધી હતી.
આજે ઓપનર અને વિકેટકીપર સંજુ સૅમસન ઉપરાંત ટીમના ટૉપ-ઑર્ડરે પણ મોટું યોગદાન આપવું જ પડશે. સૅમસને શુક્રવારની પ્રથમ મૅચમાં 50 બૉલમાં દસ સિકસર અને સાત ફોરની મદદથી 107 રન બનાવીને ભારત માટે વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો, પરંતુ તેને કોઈ પણ બૅટરનો લાંબા સમય સુધી સાથ નહોતો મળ્યો. જોકે ભારતે આપેલા 203 રનના લક્ષ્યાંક સામે યજમાન ટીમ રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીની ત્રણ-ત્રણ વિકેટ તથા આવેશ ખાનની બે અને અર્શદીપ સિંહની એક વિકેટને કારણે ફક્ત 141 રને ઑલઆઉટ થઈ જતાં ભારતનો 61 રનથી વિજય થયો હતો.
હવે આજની બીજી મૅચમાં ઓપનર અભિષેક શર્મા તેમ જ કૅપ્ટન સૂર્યકુમાર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા તેમ જ પિંચ-હિટર રિન્કુ સિંહે ઝળકવું જ પડશે. ઑલરાઉન્ડર અક્ષર પટેલને રમવા મળશે તો તેની પાસે પણ ટીમને ઘણી અપેક્ષા હશે.
2024ની આઇપીએલના હીરો અભિષેક શર્માએ આ વર્ષની શરૂઆતમાં હરારેમાં ઝિમ્બાબ્વે સામે 47 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી, પરંતુ છેલ્લી સાત ઇનિંગ્સમાં (7, 4, 15, 16, 14, 10 અને 0) તે સતત ફ્લૉપ રહ્યો છે.
ભારત શુક્રવારની જ ટીમ જાળવી રાખશે એવી સંભાવના છે. જોકે અક્ષર પટેલને બદલે આજે પેસ બોલિંગ ઓલરાઉન્ડર રમણદીપ સિંહને રમવાનો મોકો મળે તો નવાઈ નહીં.
Also Read – કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…
બંને દેશની સંભવિત ઇલેવન
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, અક્ષર પટેલ/રમણદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઇ, આવેશ ખાન અને વરૂણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકા: એઇડન માર્કરમ (કેપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), ટ્રિસ્ટેન સ્ટબ્સ, હિનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, પેટ્રિક ક્રુગર, માર્કો યેનસેન, એન્ડિલ સિમલેન, જેરાલ્ડ કોએટઝી, કેશવ મહારાજ અને એન્કાબૅયોમ્ઝી પીટર/ઑટનિલ બાર્ટમૅન.