સ્પોર્ટસ

ગિલની ગેરહાજરીનો રાહુલ-તિલકને ફાયદોઃ શ્રેયસ, હાર્દિક, બુમરાહ કેમ ટીમમાં નથી?

મુંબઈઃ ટેસ્ટ અને વન-ડેના કૅપ્ટન શુભમન ગિલને ગરદનની ઈજા ખૂબ નડી છે અને તેણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝની બહાર થયા પછી હવે તેમની જ સામેની વન-ડે શ્રેણી પણ ગુમાવવી પડશે અને તેની ગેરહાજરીનો આડકતરી રીતે ફાયદો કે. એલ. રાહુલ તથા તિલક વર્માને થયો છે. રાહુલ (Rahul)ને આખી વન-ડે શ્રેણીમાં કૅપ્ટન્સી સંભાળવાની તક મળી છે, જ્યારે તિલકને સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅન તરીકે ટીમમાં સામેલ થવા મળ્યું છે. ઋતુરાજ ગાયકવાડ પણ ફાવી ગયો છે.

રિષભ પંતનું વન-ડે ટીમમાં કમબૅક થયું છે. તેનો સમાવેશ બીજા વિકેટકીપર તરીકે થયો છે. છેલ્લે તે ઑગસ્ટ, 2024માં વન-ડે રમ્યો હતો. ત્રીજો વિકેટકીપર-બૅટ્સમૅન ધ્રુવ જુરેલ પણ ટીમમાં છે.

આપણ વાચો: ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું

બે સૌથી અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ ટીમ (Team)માં સામેલ છે એટલે ટીમ વધુ પડકારરૂપ બની ગઈ છે. ગિલ (Gill)ની ગેરહાજરીમાં રોહિતની સાથે યશસ્વી જયસ્વાલ દાવની શરૂઆત કરશે. જસપ્રીત બુમરાહ બે મહિનાથી સતત રમી રહ્યો હોવાથી તેને આ સિરીઝમાંથી આરામ અપાયો છે.

શ્રેયસ ઐયર પાંસળી અને પેટની ઈજામાંથી હજી પૂરેપૂરો મુક્ત નથી થયો એ કારણસર પણ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન તિલકનો નંબર લાગી ગયો એમ કહી શકાય. ઋતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રિકા-એ સામે (117 રન, 68 અણનમ, પચીસ રન) સારું રમ્યો હોવાથી અને ઇન્ડિયા-એને 2-1થી સિરીઝ-વિજય અપાવ્યો હોવાથી તેને રિઝર્વ ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા પગની ઈજામાંથી મુક્ત ન થયો હોવાથી તેને પણ આ સિરીઝમાં નહીં રમવા મળે.

આપણ વાચો: ન્યૂ ઝીલૅન્ડ પહેલી વાર સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું, રૅન્કિંગમાં ભારતની મુશ્કેલી વધારી

વન-ડે સિરીઝની મૅચોઃ

(1) પ્રથમ વન-ડેઃ રવિવાર, 30મી નવેમ્બર, રાંચી, બપોરે 1.30
(2) બીજી વન-ડેઃ બુધવાર, 3જી ડિસેમ્બર, રાયપુર, બપોરે 1.30
(3) ત્રીજી વન-ડેઃ શનિવાર, 6ઠ્ઠી ડિસેમ્બર, વિશાખાપટનમ, બપોરે 1.30

ભારતીય ટીમઃ

કે. એલ. રાહુલ (કૅપ્ટન, વિકેટકીપર), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button