ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે જંગ
જાણો કેવું છે હવામાન અને હેડ-ટૂ-હેડ મુકાબલામાં કોણ છે ચડિયાતું?
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું મિશન આજે ન્યૂ ઝીલૅન્ડ સામેના મુકાબલા (સાંજે 7.30 વાગ્યાથી) સાથે શરૂ થશે.
હરમનપ્રીત કૌર અને તેની ટીમ ભારતને પ્રથમ આઇસીસી ટ્રોફી અપાવવા યુએઇ ગઈ છે. દુબઈમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. વરસાદની સંભાવના નથી, પરંતુ રમત પર ભેજની અસર પડી શકે.
વિમેન ઇન બ્લ્યૂ બન્ને વૉર્મ-અપ મૅચ જીતીને મુખ્ય ટૂર્નામેન્ટમાં ઊતરી છે. તેમણે વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી અને સાઉથ આફ્રિકાને 28 રનથી હરાવ્યું હતું.
સૉફી ડિવાઇન ન્યૂ ઝીલૅન્ડની કૅપ્ટન છે અને તેની ટીમ પ્રથમ વૉર્મ મૅચમાં સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટે જીતી હતી અને ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટે હારી ગઈ હતી.
કૅપ્ટન હરમનપ્રીતે જાહેર કરી દીધું છે કે તે ત્રીજા નંબર પર બૅટિંગ કરશે.
જૂનમાં રોહિત શર્માના સુકાનમાં મેન ઇન બ્લ્યૂએ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધા પછી હવે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની પાસે ઐતિહાસિક ટ્રોફીની અપેક્ષા છે.
આ પણ વાંચો :ટી-20 વર્લ્ડ કપમાં ‘યજમાન’ બાંગ્લાદેશે જીતીને દાયકા જૂની નિરાશા દૂર કરી
ભારતની મહિલા ટીમ છેલ્લે એશિયા કપમાં રમી હતી જેમાં શ્રીલંકા સામે ભારતીય ટીમનો ફાઇનલમાં પરાજય થયો હતો. ત્યાર બાદ અમુક ભારતીય ખેલાડીઓ ઇંગ્લૅન્ડની ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં અને કેટલીક પ્લેયર વેસ્ટ ઇન્ડિઝની કૅરિબિયન પ્રીમિયર લીગમાં રમી હતી.
વર્લ્ડ કપ માટે યુએઇ આવતાં પહેલાં બીસીસીઆઇ દ્વારા બેન્ગલૂરુમાં ટ્રેઇનિંગ કૅમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યાર બાદ યુએઇમાં તેઓ બન્ને પ્રૅક્ટિસ-મૅચ જીતી હોવાથી આજે ન્યૂ ઝીલૅન્ડ સામે પૂરા જોશથી રમશે.
હેડ-ટૂ-હેડ મુકાબલામાં કોનો હાથ ઉપર?
બન્ને દેશ વચ્ચેના સામસામા મુકાબલામાં ન્યૂ ઝીલૅન્ડનો હાથ ઉપર છે. 13માંથી 9 મૅચમાં ન્યૂ ઝીલૅન્ડનો અને 4 મૅચમાં ભારતનો વિજય થયો છે.
દુબઈમાં 97 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે જેમાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો 45 મૅચમાં અને પછીથી બૅટિંગ કરનાર ટીમનો 51 વાર વિજય થયો છે. આ સ્થળે ફર્સ્ટ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 141 રન છે તથા સેક્ધડ ઇનિંગ્સનો ઍવરેજ સ્કોર 125 રન છે.